જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ભવનાથ પોલીસ સ્ટેશનના NDPS કેસમાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓને ઓડિશાથી ઝડપી પાડ્યા છે. ગાંજાની હેરાફેરી સાથે સંકળાયેલા આરોપીઓની ધરપકડ માટે પોલીસે ઓડિશાના દુર્ગમ વિસ્તારો સુધી તપાસ લંબાવી હતી.
બે દિવસ સુધી રેકી કરી
જૂનાગઢ રેન્જ આઈજી અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ પોલીસની ખાસ ટીમ ઓડિશાના કાલાહાંડી જિલ્લામાં પહોંચી હતી. નરલા રોડ રેલવે સ્ટેશન વિસ્તારમાં બે દિવસ સુધી વોચ રાખ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપીઓનું લોકેશન મેળવવામાં આવ્યું હતું.
જંગલમાંથી બંનેને ઝડપી લીધા
આરોપીઓ પોલીસથી બચવા જંગલ વિસ્તારમાં છુપાઈને રહેતા હતા. પોલીસે વેશપલટો કરીને વોચ ગોઠવી મુખ્ય આરોપી અજય કુમાર ઉર્ફે ગોપી દાદાને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ બાદ ઈન્દ્રમલ ગામના જંગલ વિસ્તારમાંથી ટંકાધરભાઈ સહુની પણ ધરપકડ કરવામાં આવી.
બંને આરોપીઓને ઓડિશાથી જૂનાગઢ લાવવામાં આવ્યા છે. પોલીસે હવે ગાંજાના નેટવર્કમાં સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
Post Views: 8











