ગોંડલના લોકમેળામાં લોહિયાળ ઘટના, ફોટોફ્રેમના ભાવતાલના વિવાદમાં યુવકની હત્યા

ગોંડલના વછેરાના વાડા ખાતે ચાલી રહેલા આઈકોનિક મેળામાં મોડી રાત્રે હત્યાની ઘટના બની છે. ફોટોફ્રેમના ભાવ અને પૈસાની બાબતે થયેલી બોલાચાલી બાદ છરી વડે હુમલો કરવામાં આવતા મધ્યપ્રદેશના 25 વર્ષીય સ્ટોલધારક રમાશંકર કમલપ્રસાદ બર્મનનું મોત થયું હતું. તેનો પિતરાઈ ભાઈ વિશાલ શર્મા પણ ઈજાગ્રસ્ત થયો છે.

ભાવતાલથી શરૂ થયેલો વિવાદ જીવલેણ બન્યો

પ્રાથમિક માહિતી મુજબ રમાશંકર મેળામાં ફોટોફ્રેમ અને ભગવાનની છબીઓનો સ્ટોલ ચલાવતો હતો. દરમિયાન તેની અને રાહુલ ડોડીયા વચ્ચે ભાવતાલ અને પૈસાની બાબતે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતા રાહુલે છરી વડે હુમલો કર્યો હતો. છાતીના ભાગે ગંભીર ઈજા થતાં રમાશંકરનું મોત નીપજ્યું હતું.

નાસી રહેલો મુખ્ય આરોપી ઝડપાયો

હુમલા બાદ આરોપી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મેળામાં બંદોબસ્તમાં રહેલા ગોંડલ બી ડિવિઝનના PI જી.એસ. ગઢવી અને PSI વી.કે. સુરાણીએ પીછો કરીને રાહુલ ડોડીયાને ઝડપી લીધો હતો. ઘટનાની જાણ થતાં DYSP કે.જી. ઝાલા સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો.

CCTVના આધારે વધુ તપાસ

પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. CCTV ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે ઘટનામાં અન્ય કોઈની સંડોવણી હતી કે નહીં તે અંગે તપાસ ચાલી રહી છે. લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બનેલી હત્યાની ઘટનાથી ચકચાર મચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE