કચ્છના લખપત તાલુકામાં વરસાદ ખેંચાતા ઘાસચારો અને પાણીની અછત ગંભીર બની રહી છે. સ્થાનિક ચારો ખૂટી જતાં માલધારીઓ પોતાના પશુધન સાથે ચારો અને પાણી મળી શકે તેવા અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે.
રૂ.20 કિલોના ઘાસથી વધ્યો ખર્ચ
બેખડો ગામના માલધારી આરફભાઈ જતના જણાવ્યા મુજબ, હાલ પશુઓ માટે પંજાબથી ઘાસ મંગાવવું પડે છે. આ ઘાસ આશરે રૂ.20 પ્રતિ કિલોના ભાવે મળતું હોવાથી મોટી સંખ્યામાં પશુધન ધરાવતા માલધારીઓ પર રોજિંદો ખર્ચ વધી ગયો છે.
9 ગાડીઓમાં માલધારીઓએ ગામ છોડ્યું
ઘાસચારા અને પાણીની સમસ્યાને પગલે બેખડો ગામમાંથી 9 ગાડીઓમાં માલધારીઓ પશુધન સાથે અન્ય વિસ્તારો તરફ હિજરત કરી ચૂક્યા છે. લખપતના અન્ય ગામોમાંથી પણ માલધારીઓ ધીમે ધીમે સ્થળાંતર કરી રહ્યા હોવાની સ્થિતિ છે.
રૂ.2ના રાહત દરે ઘાસની માંગ
પશુપાલકોનું કહેવું છે કે મોંઘા ભાવે ઘાસ ખરીદવું મુશ્કેલ છે, પરંતુ પશુઓને ભૂખ્યા રાખી શકાય નહીં. સરકાર આશરે રૂ.2 પ્રતિ કિલોના રાહત દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવે અને પાણીની વ્યવસ્થા કરે તેવી તેમની માંગ છે.
વરસાદ વધુ ખેંચાય તો પરિસ્થિતિ ગંભીર બની શકે છે. માલધારીઓ માટે આ માત્ર ચારા-પાણીનો પ્રશ્ન નહીં, પરંતુ પશુધન અને રોજગારી બચાવવાનો સવાલ બની ગયો છે.
Post Views: 9










