નેપાળના ભોટ કોશી વિસ્તારમાં 26 ઓગસ્ટે આવેલા વિનાશક પૂરમાં ગુજરાતના 30 લોકો સંપર્કવિહોણા થયા હોવાની માહિતી સામે આવી છે. તેમના સ્વજનોને સચોટ માહિતી મળી રહે તે માટે ગુજરાત સરકારે DNA આધારિત ઓળખ પ્રક્રિયા તેજ કરી છે. અત્યાર સુધી 29 ગુમ વ્યક્તિઓના નજીકના પરિવારજનોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.
મૃતદેહોની ઓળખ માટે DNA મેચિંગ
નેપાળમાં મળેલા મૃતદેહો અને માનવ અવશેષોની ઓળખ માટે પરિવારજનોના DNA પ્રોફાઇલની સરખામણી કરવામાં આવશે. ચહેરા કે અન્ય વિગતોના આધારે ઓળખ મુશ્કેલ હોય તેવી સ્થિતિમાં DNA મેચિંગથી વધુ વિશ્વસનીય ઓળખ કરવામાં મદદ મળશે.
NRGF અને NFSUનું સંકલન
ગુજરાત સ્ટેટ NRGF દ્વારા ગુમ થયેલા લોકોના પરિવારજનો સાથે સંપર્ક કરીને સેમ્પલિંગ અને જરૂરી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વિદેશમાં રહેતા NRG પરિવારજનોના DNA સેમ્પલ અંગે પણ સંબંધિત દેશોની સત્તાવાળાઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.
ગુજરાતની 6 ફોરેન્સિક લેબ સક્રિય
ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, જૂનાગઢ અને રાજકોટની નિયુક્ત ફોરેન્સિક લેબોરેટરીઓમાં DNA પ્રોફાઇલિંગની કામગીરી ચાલી રહી છે. NFSU ગાંધીનગર અને વિદેશ મંત્રાલય સાથેના સંકલનથી રિપોર્ટ નેપાળની સત્તાવાર ઓળખ પ્રક્રિયા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. બાકી રહેલા એક પરિવારના સેમ્પલની પ્રક્રિયા પણ આગળ વધી રહી છે.










