લાંબી કતારો અને ધક્કામુક્કીથી મળશે રાહત; ટોકન નંબર મુજબ જ મળશે ટિકિટ બુકિંગનો વારો
નવી દિલ્હી: ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત અને મુસાફરમૈત્રી બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 ઓગસ્ટથી રેલવેના તમામ રિઝર્વેશન કાઉન્ટરો પર તત્કાલ ટિકિટ માટે ટોકન સિસ્ટમ અમલમાં આવશે.
નવી વ્યવસ્થા હેઠળ તત્કાલ ટિકિટ માટે આવતા દરેક મુસાફરને સૌથી પહેલાં ટોકન આપવામાં આવશે. ત્યારબાદ ટોકન નંબરના ક્રમ પ્રમાણે કાઉન્ટર પર બોલાવી તેમની ટિકિટ બુક કરવામાં આવશે.
રેલવેના જણાવ્યા મુજબ આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ કાઉન્ટરો પરની ભીડ ઘટાડવી, ધક્કામુક્કી અટકાવવી અને ટિકિટ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક તથા સુવ્યવસ્થિત બનાવવાનો છે.
નવી ટોકન વ્યવસ્થાથી મુસાફરોને લાંબા સમય સુધી કાઉન્ટર પર ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. ટોકન મળ્યા બાદ તેઓ પોતાના નંબરની રાહ આરામથી જોઈ શકશે, જેના કારણે તત્કાલ ટિકિટ બુકિંગ વધુ સરળ અને સુવિધાજનક બનવાની અપેક્ષા છે.










