અતિભારે વરસાદ, ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડના ખતરા વચ્ચે ઓરેન્જ એલર્ટ; ચારધામ તરફના મુખ્ય માર્ગો બંધ
દેહરાદૂન: ઉત્તરાખંડમાં સતત વરસી રહેલા અતિભારે વરસાદ અને ભૂસ્ખલનની વધતી ઘટનાઓને પગલે રાજ્ય સરકારે ચારધામ યાત્રા બે દિવસ માટે સ્થગિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓની અવરજવર પર તાત્કાલિક રોક લગાવવામાં આવી છે.
હવામાન વિભાગે ઉત્તરકાશી, ચમોલી, રુદ્રપ્રયાગ, ટિહરી અને પૌડી ગઢવાલ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવના વચ્ચે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી તરફ જતાં અનેક મુખ્ય માર્ગો ભૂસ્ખલનથી બંધ થઈ ગયા છે.
સેન્ટ્રલ વોટર કમિશન દ્વારા ફ્લેશ ફ્લડનું જોખમ વ્યક્ત કરવામાં આવતાં વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ગઢવાલ મંડળના કમિશનરે જણાવ્યું છે કે હવામાન સંપૂર્ણપણે સામાન્ય બનશે અને તમામ માર્ગો સુરક્ષિત જાહેર થશે ત્યારબાદ જ ચારધામ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.
સતત વરસાદને કારણે દેહરાદૂનમાં નદી પરનો એક પુલ પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સુરક્ષાના ભાગરૂપે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળાઓ અને આંગણવાડીઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વહીવટી તંત્રે યાત્રાળુઓ અને સ્થાનિક લોકોને નદી-નાળાં તેમજ ભૂસ્ખલનપ્રવણ વિસ્તારોમાં જવાનું ટાળવા અને માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.










