મધ્યપૂર્વમાં તણાવ ઘટતાં કોમોડિટી બજારમાં મોટું કરેક્શન; શેરબજારમાં સુસ્ત કારોબાર, રૂપિયો મજબૂત
નવી દિલ્હી: મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં ઘટાડાના સંકેતો વચ્ચે વૈશ્વિક બજારોમાં રાહત જોવા મળી છે. તેની સીધી અસર કોમોડિટી બજાર પર જોવા મળતાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ $85ની નીચે સરકી ગયો, જ્યારે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં WTI ક્રૂડ $80.24 સુધી ઘટ્યું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પણ $85ની નીચે ટ્રેડ થયું. ક્રૂડના ભાવમાં નરમાઈ આવતા ભારતીય કરન્સીને પણ ટેકો મળ્યો અને ડોલર સામે રૂપિયો 7 પૈસા મજબૂત થઈ 95.82 પર પહોંચ્યો.
કિંમતી ધાતુઓમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી. સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ₹1,750નો ઘટાડો, જ્યારે ચાંદી ₹6,900 સસ્તી થઈ હતી. વાયદા બજારમાં પણ બંને કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
શેરબજારમાં દિવસભર સાવચેતીભર્યો માહોલ રહ્યો. સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટીને 76,789 અને નિફ્ટી 6 પોઈન્ટના ઘટાડા સાથે 23,990 પર બંધ રહ્યો. જોકે TCS, ઇન્ફોસિસ, ટાઇટન, કલ્યાણ જ્વેલર્સ અને કોફોર્જ જેવા શેરોમાં તેજી જોવા મળી, જ્યારે HDFC બેંક, હિંદુસ્તાન યુનિલીવર, વરુણ બેવરેજિસ, સુઝલોન, વોડાફોન આઈડિયા અને વારી એનર્જીના શેરોમાં ઘટાડો નોંધાયો.










