સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ગાંધીનગર મનપા અને વિવિધ પાલિકાઓમાં આવતીકાલે મતદાન, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગઠવાયો
રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય તથા પેટાચૂંટણીઓ માટે ૧૧મી ઓક્ટોબરે (આવતીકાલે) મતદાન યોજવાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ ચૂંટણીમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત રાજ્યની અગત્યની નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની બેઠકોનો સમાવેશ થાય છે.
ચૂંટણી અને મતદાન સંબંધિત મુખ્ય વિગતો:
-
કઈ જગ્યાએ યોજાશે મતદાન: ગાંધીનગર મહાનગરપાલિકાના ૧૧ વોર્ડની કુલ ૪૪ બેઠકો માટે મતદાન યોજાશે. આ ઉપરાંત ઓખા, ધરમપુર, મહેસાણા, છોટા ઉદેપુર અને બાયડ નગરપાલિકાઓની વિવિધ બેઠકો, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ૩-ભાણવડ બેઠક અને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે પણ રવિવારે જ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
-
મતદાનનો સમય અને ઓળખપત્ર: મતદાનનો સમય સવારે ૭:૦૦ કલાકથી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે. મતદાન માટે મતદારે પોતાનું મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) અથવા આયોગ દ્વારા માન્ય કરાયેલા વૈકલ્પિક ઓળખપત્રો રજૂ કરવાના રહેશે.
-
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા: ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા સઘન વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો પર કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવશે.
ચૂંટણી તંત્ર દ્વારા તમામ નાગરિકોને લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાના મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.










