વિરાર-ભરૂચ મેમુ સ્ટેશનમાં પ્રવેશતા પહેલાં સર્જાઈ ઘટના; જાનહાનિ ટળી, પશ્ચિમ રેલવેનો ટ્રાફિક ખોરવાયો
વલસાડ: વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર વહેલી સવારે મોટી રેલ દુર્ઘટના ટળી હતી. વિરાર-ભરૂચ મેમુ ટ્રેનનું એન્જિન સ્ટેશનમાં પ્રવેશતા પહેલાં જ પાટા પરથી ઉતરી જતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના નોંધાઈ નથી.
ઘટના બનતા જ સ્ટેશન પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા, જ્યારે રેલવેના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી એન્જિનને ફરી પાટા પર લાવવા અને ટ્રેકને કાર્યરત કરવા કામગીરીમાં લાગી ગઈ હતી.
આ બનાવને કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ-ગુજરાત રૂટ પર ટ્રાફિકને અસર પહોંચી હતી. વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી એક્સપ્રેસ, ગુજરાત એક્સપ્રેસ અને વડોદરા ઇન્ટરસિટી સહિત અનેક ટ્રેનો મોડી દોડતાં હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
રેલવે તંત્રએ ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે ટેકનિકલ ખામી કે ટ્રેક સંબંધિત કારણોની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પારડી-ઉદવાડા વચ્ચે ભારે વરસાદના કારણે ટ્રેક નજીક માટી ધસી પડવાની ઘટના પણ બની હતી. સતત બની રહેલી આવી ઘટનાઓને કારણે મુસાફરોમાં રેલવે સુરક્ષાને લઈને ચિંતા વધી રહી છે.










