ઓડિશાથી લવાયેલી 14.485 કિલો ગાંજાની ખેપ રાજકોટ પહોંચે તે પહેલાં જ કાર્યવાહી; મુખ્ય પેડલર હિતેષ ગોહિલની શોધખોળ શરૂ
રાજકોટ: નશાના કારોબાર સામે ચાલી રહેલા વિશેષ અભિયાન હેઠળ રાજકોટ શહેર SOGએ મોટી કાર્યવાહી કરતાં બામણબોર નજીકથી 14.485 કિલોગ્રામ ગાંજા સાથે બે સગા ભાઈઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે ગાંજો, મોબાઇલ ફોન સહિત કુલ ₹7.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઇવે પર બામણબોર નજીક હોટલ રામદેવ પાસે વોચ ગોઠવી બંને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ઓડિશાના કાંટાબાંજીથી ગાંજાનો જથ્થો લઈને રાજકોટમાં ડિલિવરી આપવા આવી રહ્યા હતા, પરંતુ શહેરમાં પ્રવેશે તે પહેલાં જ SOGએ તેમની યોજના નિષ્ફળ બનાવી દીધી.
પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે સમગ્ર રેકેટનો માસ્ટરમાઇન્ડ રાજકોટનો હિતેષ ગોહિલ છે. તે બંને ભાઈઓને ગાંજાની દરેક ખેપ બદલ ₹20 હજાર ચૂકવતો હતો. આરોપીઓ અગાઉ પણ એક વખત સફળતાપૂર્વક ગાંજાની ખેપ પહોંચાડી ચૂક્યા હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
હાલ પોલીસે મુખ્ય આરોપી હિતેષ ગોહિલ અને ગાંજાના સપ્લાય નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સોની શોધખોળ તેજ કરી છે. સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે.










