સાયબર ઠગાઈના ભોગ બનેલા નાગરિકો માટે MRM પોર્ટલ અભિયાન સફળ; 1,915 ઓનલાઈન અરજીઓ પ્રક્રિયામાં
સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડના ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત આપતાં માત્ર 24 કલાકમાં 1,067 પીડિતોને કુલ ₹1.26 કરોડની ફ્રીઝ કરાયેલી રકમ પરત અપાવવા માટેની કાર્યવાહી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન તમામ પોલીસ ઝોન અને પોલીસ સ્ટેશનોના સાયબર ક્રાઇમ સ્ટાફને Money Restoration Module (MRM) અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ પીડિતોનો વ્યક્તિગત સંપર્ક કરીને ઓનલાઈન અરજી પ્રક્રિયામાં મદદ કરવામાં આવી હતી.
આ અભિયાનના પરિણામે MRM પોર્ટલ પર કુલ 1,915 ઓનલાઈન રિક્વેસ્ટ નોંધાઈ હતી, જેના આધારે સાયબર ઠગાઈમાં ફ્રીઝ કરાયેલી ₹1.26 કરોડની રકમ પીડિતોને પરત અપાવવાની પ્રક્રિયા ઝડપી બની છે.
પોલીસે જણાવ્યું છે કે National Cyber Crime Reporting Portal (NCRP) પર ફરિયાદ નોંધાવનાર અને જેમના બેંક ખાતામાં નાણા ફ્રીઝ થયેલા હોય તેવા પીડિતો MRM પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજીમાં કોઈ મુશ્કેલી જણાય તો નજીકના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ કર્મચારીઓ જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.










