શહેરના બુટલેગરો સામે PCBની મોટી કાર્યવાહી: 1,344 બોટલ વિદેશી દારૂ જપ્ત, સપ્લાય ચેઇન ધ્વસ્ત

દમણથી રાજકોટ સુધી ચાલતા દારૂના નેટવર્ક પર ઘા; લિસ્ટેડ બુટલેગર યાકુબ મોટાણીની લિંક તૂટી, હિસ્ટ્રીશીટર સપ્લાયર સહિત બે ઝડપાયા

રાજકોટ: શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB)એ આક્રમક કાર્યવાહી હાથ ધરી છે. બે અલગ-અલગ દરોડામાં પોલીસે 1,344 બોટલ વિદેશી દારૂ જપ્ત કરીને શહેરમાં સક્રિય બુટલેગર નેટવર્કને મોટો ફટકો આપ્યો છે.

પ્રથમ કાર્યવાહીમાં ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલા ટ્રાન્સપોર્ટ ગોડાઉન પર દરોડો પાડી પોલીસે કોસ્મેટિક્સના માલ તરીકે મોકલાયેલ 1,104 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. તપાસમાં આ જથ્થો લિસ્ટેડ બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણી દ્વારા દમણથી મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી રાજકોટના રિસીવરને શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

બીજી કાર્યવાહીમાં PCBની ટીમે રામનાથપરા વિસ્તારમાં દરોડો પાડી ફિરોઝ હાજીભાઈ સોઢાને પોતાના મકાનની બહારથી જ જાહેરમાં દારૂનું વેચાણ કરતાં ઝડપી લીધો હતો. તેના કબજામાંથી 240 બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

પૂછપરછ દરમિયાન ફિરોઝે દારૂનો જથ્થો હિસ્ટ્રીશીટર રાજેશ ઉર્ફે ભોપલો ચાવડા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતાં પોલીસે રાજેશની પણ ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ રાજેશ સામે અગાઉ હત્યાના પ્રયાસ સહિતના અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

PCBની આ ડબલ કાર્યવાહીને શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે મોટી સફળતા માનવામાં આવી રહી છે. હાલ પોલીસે સમગ્ર સપ્લાય નેટવર્ક, દારૂના રિસીવરો અને અન્ય સંડોવાયેલા બુટલેગરો સુધી પહોંચવા તપાસ વધુ તેજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE