ભુપેન્દ્ર રોડના જવેલર્સમાં પોલીસની રેડ: 13 બિયર ટીન સાથે સોની વેપારી ઝડપાયો

જ્વેલરીની દુકાનમાંથી વિદેશી બિયરનો જથ્થો જપ્ત; બંગાળી કારીગર પાસેથી બિયર મેળવી નશો કરતો હોવાનો ખુલાસો

રાજકોટ: શહેરના ભુપેન્દ્ર રોડ પર આવેલી જે.બી. જવેલર્સમાં એ-ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી 13 વિદેશી બિયર ટીન જપ્ત કર્યા છે. કાર્યવાહી દરમિયાન દુકાનના સંચાલક અને સોની વેપારી જીગ્નેશ ભાઇલાલ મચ્છરની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન દુકાનમાં સંતાડી રાખવામાં આવેલ બિયરનો જથ્થો મળી આવતા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ બંગાળી કારીગર પાસેથી બિયર મેળવી પોતે નશો કરતો હોવાનું સ્વીકાર્યું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

પ્રાથમિક તપાસમાં પોલીસે બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો અને તેમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. સપ્લાય ચેઇન સુધી પહોંચવા માટે સંબંધિત વ્યક્તિઓની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ જ વેપારી અને તેના કારીગરોને દારૂ-બિયરની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડ્યા હતા. હવે ફરી એકવાર જ્વેલરીની દુકાનમાંથી બિયરનો જથ્થો મળી આવતા શહેરમાં ચર્ચા જાગી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE