ગાંધીનગર: રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના વધતા વપરાશ તથા ઈંધણ બચત અંગે સરકાર ગંભીર બની છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સચિવાલયમાં કર્મચારીઓના કામકાજના કલાકોમાં ફેરફાર કરવાની દિશામાં વિચારણા શરૂ કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. સરકાર હવે સચિવાલયમાં પાંચ દિવસીય સપ્તાહ અમલમાં મૂકવા અંગે ગંભીરતાથી ચર્ચા કરી રહી છે.
મળતી માહિતી મુજબ, શનિવાર અને રવિવારની બે દિવસીય રજા આપીને ઈંધણની બચત કરવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. સરકારનું માનવું છે કે કર્મચારીઓના રોજિંદા વાહનવ્યવહારથી મોટા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો વપરાશ થાય છે. જો અઠવાડિયામાં બે દિવસ ઓફિસ બંધ રાખવામાં આવે તો ઈંધણની બચત સાથે ટ્રાફિકનું દબાણ પણ ઘટાડી શકાય.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સચિવાલયના વિવિધ વિભાગોમાં કર્મચારીઓના કામના કલાકોમાં પણ ફેરફાર અંગે ચર્ચા ચાલી રહી છે. વહેલા ઓફિસ શરૂ કરી વહેલા પૂર્ણ કરવાની પદ્ધતિ કે હાઇબ્રિડ વર્ક મોડલ જેવા વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી હોવાનું જાણવા મળે છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ જનતા અને સરકારી તંત્રને પેટ્રોલ-ડીઝલનો મિતવ્યયી ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. તેના અનુસંધાને હવે સરકાર પોતાના વિભાગોમાં કરકસરના પગલાં ભરવા તરફ આગળ વધી રહી હોવાનું મનાય છે.
સરકારી વર્તુળોમાં ચર્ચા છે કે જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો ગાંધીનગર સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓને દર અઠવાડિયે બે દિવસની રજા મળશે. બીજી તરફ કેટલાક વિભાગોમાં કામકાજ પર તેની અસર અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.
હાલ સરકાર દ્વારા તમામ પાસાઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર નિર્ણય જાહેર થઈ શકે છે.
Post Views: 39











