દક્ષિણ ગુજરાતની સુગર મિલોને મોટી રાહત, ₹1500 કરોડનો ઇન્કમટેક્સ બોજ હટ્યો

દક્ષિણ ગુજરાતની સહકારી સુગર મિલો અને શેરડી પકવતા ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત પ્રયાસોથી વર્ષોથી લટકતો ઇન્કમટેક્સનો પ્રશ્ન ઉકેલાતા અંદાજિત ₹1500 કરોડનો ટેક્સ બોજ કાયમી રીતે દૂર થયો છે. આ નિર્ણયથી દક્ષિણ ગુજરાતની અનેક સહકારી સુગર મિલોને નવી જિંદગી મળવાની આશા વ્યક્ત થઈ રહી છે.

મળતી માહિતી મુજબ વર્ષ 2007થી 2015 દરમિયાન શેરડીના ભાવ અંગે ઉભા થયેલા કરવેરા વિવાદમાં હવે સરકાર દ્વારા સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે સહકારી સુગર મિલો પર બાકી રહેલા ઇન્કમટેક્સના દાવાઓ દૂર થવાના માર્ગ મોકળા બન્યા છે.

આ નિર્ણયથી ખાસ કરીને બારડોલી સુગર મિલને આશરે ₹350 કરોડના જુના ટેક્સ બોજમાંથી રાહત મળી છે, જ્યારે ચલથાણ સુગર મિલને અંદાજે ₹167 કરોડની રાહત મળવાની માહિતી સામે આવી છે. અન્ય અનેક સહકારી મિલોને પણ આ નિર્ણયનો સીધો લાભ મળશે.

દક્ષિણ ગુજરાતમાં શેરડી ખેતી સાથે જોડાયેલા બે લાખથી વધુ ખેડૂતોને આ નિર્ણયથી આર્થિક રીતે મોટો ફાયદો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક વર્ષોથી વધતા કરજ, ઉત્પાદન ખર્ચ અને કરવેરાના દબાણને કારણે ઘણી સહકારી સુગર મિલો બંધ થવાની કગાર પર પહોંચી ગઈ હતી. હવે ટેક્સ બોજ દૂર થતાં મિલોની આર્થિક સ્થિતિ મજબૂત બનશે તેમજ ખેડૂતોને સમયસર ચુકવણી થવાની આશા વધી છે.

ખેડૂત આગેવાનો અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા વર્તુળોમાં આ નિર્ણયનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરકારના આ પગલાથી દક્ષિણ ગુજરાતના શેરડી ઉદ્યોગને નવી દિશા મળશે અને સહકારી માળખું વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

Leave a Comment

READ MORE

READ MORE