રાજ્યભરમાં મહેસુલી તલાટી ભરતી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ પ્રગતિ સામે આવી છે. કુલ 2,389 ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યના તમામ 34 જિલ્લાની કલેક્ટર કચેરીઓને પસંદગી પામેલા ઉમેદવારોની યાદી મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ હવે આગામી તબક્કામાં ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે. સરકાર તથા સંબંધિત વિભાગ દ્વારા આગામી 7 થી 10 દિવસની અંદર નિમણૂક પત્ર વિતરણની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે આયોજન હાથ ધરાયું છે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારોમાં આ સમાચારને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે.
મહેસુલી તલાટી તરીકે પસંદ થયેલા ઉમેદવારો રાજ્યના વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વહીવટી કામગીરી સંભાળશે. ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે જિલ્લા કક્ષાએ પણ તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉમેદવારો હવે નિમણૂક પત્ર જાહેર થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત બાદ પોસ્ટિંગ પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Post Views: 51










