રાજકોટ શહેરના વોર્ડ નં. 13 ખાતે આવેલા સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં ડ્રેનેજના ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. એક તરફ ભાજપના આગેવાનો દ્વારા ફોટો સેશન ચાલી રહ્યું હતું.ત્યારે બીજી તરફ ગંદા પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ડ્રેનેજનું ગંદુ પાણી અંદાજે એક કિલોમીટર સુધી ફેલાઈ ગયું હતું. દુર્ગંધના કારણે રસ્તા પરથી પસાર થતા લોકો મોઢે રૂમાલ રાખીને જવા મજબૂર બન્યા હતા. પાણી ભરાવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફ પડી હતી.
આ મામલે પૂર્વ કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે તંત્ર અને શાસક પક્ષ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, “લોકોની મૂળભૂત સમસ્યાઓનું નિરાકરણ લાવવા કરતાં માત્ર ફોટો સેશન અને દેખાવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી છે. ગંદકી અને ડ્રેનેજની સમસ્યા લાંબા સમયથી છે છતાં જવાબદાર તંત્ર ધ્યાન આપતું નથી.”
વિસ્તારના રહિશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ડ્રેનેજ સમસ્યાનું નિરાકરણ લાવવા તેમજ રસ્તાઓની સફાઈ કરવાની માંગ ઉઠાવી છે. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.
Post Views: 43










