સુરત જિલ્લામાં નકલી ઘી બનાવવાના કારોબારનો વધુ એક ચોંકાવનારો ભાંડાફોડ સામે આવ્યો છે. સુરત એલસીબી પોલીસે કામરેજ તાલુકાના નવાગામ વિસ્તારમાં દરોડા પાડી શંકાસ્પદ રીતે ઘી બનાવતા કારખાનાને ઝડપી પાડ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાયના શુદ્ધ ઘીના નામે હલકી ગુણવત્તાનું ભેળસેળયુક્ત ઘી તૈયાર કરવામાં આવતું હતું.
પોલીસે સ્થળ પરથી મોટી માત્રામાં પામ ઓઈલ, વનસ્પતિ તેલ તેમજ અલગ અલગ બ્રાન્ડના ઘીના ડબ્બાઓ કબજે કર્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ પામ ઓઈલ અને વનસ્પતિ તેલમાં અન્ય પદાર્થો ભેળવી તેને શુદ્ધ ગાયના ઘી તરીકે બજારમાં વેચાણ કરતા હતા. આ બનાવથી ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થવાના આક્ષેપો ઉઠ્યા છે.
એલસીબી દ્વારા કારખાનામાંથી કુલ રૂપિયા 3.71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં ઘી બનાવવાના સાધનો, તૈયાર માલ તેમજ કાચા માલનો સમાવેશ થાય છે. પોલીસ અને ફૂડ વિભાગની ટીમે સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલી આપ્યા છે.
કારખાનાના સંચાલકો વિરુદ્ધ હાલમાં જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ ઘટનાએ ફરી એકવાર ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના વધતા જતાં કૌભાંડોને લઈને પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં પણ નકલી ઘી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.
Post Views: 38










