મહારાષ્ટ્રમાં ડુંગળીના સતત ઘટતા ભાવને કારણે ખેડૂતો ભારે આર્થિક સંકટમાં સપડાયા છે. ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછા ભાવ મળતા ખેડૂતોમાં રોષ અને ચિંતા વધી રહી છે. ખાસ કરીને નાશિક સહિતના ડુંગળી ઉત્પાદન વિસ્તારોમાં પરિસ્થિતિ ગંભીર બની છે.
બજારમાં ડુંગળીના ભાવ સતત તૂટી રહ્યા હોવાથી ખેડૂતોને પાકનો યોગ્ય ભાવ મળી રહ્યો નથી. ખેડૂતોના જણાવ્યા અનુસાર ડુંગળી ઉગાડવાનો ખર્ચ પ્રતિ કિલો 18 થી 20 રૂપિયા સુધી પહોંચે છે.જ્યારે બજારમાં માત્ર 4 થી 6 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળી રહ્યા છે. પરિણામે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ખેડૂતો પર બેંક અને ખાનગી સાવકારોના દેવાનો બોજ વધતો જઈ રહ્યો છે. પાક વેચ્યા બાદ પણ ઉત્પાદન ખર્ચ નીકળતો ન હોવાથી પરિવારો પર આર્થિક સંકટ ઊભું થયું છે. અનેક વિસ્તારોમાં ખેડૂતો સરકાર પાસે સહાય પેકેજ અને ટેકેદાર ભાવની માંગ કરી રહ્યા છે.
ખેડૂતોનું કહેવું છે કે, સંગ્રહ સુવિધાનો અભાવ, નિકાસ નીતિમાં અનિશ્ચિતતા અને બજારમાં વધારાની આવકને કારણે ભાવમાં ભારે ઘટાડો થયો છે. બીજી તરફ સરકાર દ્વારા NAFED મારફતે ખરીદીના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, છતાં ખેડૂતો આ પગલાંને અપૂરતા ગણાવી રહ્યા છે.
ડુંગળીના ભાવ મુદ્દે મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન પણ તેજ બન્યા છે. ખેડૂતોનું માનવું છે કે, જો તાત્કાલિક રાહત નહીં મળે તો આગામી સમયમાં આર્થિક સંકટ વધુ ઘેરું બનશે.
Post Views: 41










