ગીર વિસ્તારમાં વન વિભાગને ઝટકો : 12 કરાર આધારિત વેટરનરી તબીબોના રાજીનામા

અમરેલી સહિત ગીર વિસ્તારમાં વન વિભાગ હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી તબીબોએ એકસાથે રાજીનામું આપતા વન વિભાગમાં ચિંતા વ્યાપી છે. સિંહો અને અન્ય વન્યપ્રાણીઓની સારવાર અને દેખરેખ સાથે સંકળાયેલા આ તબીબોના અચાનક રાજીનામાને કારણે ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ વિસ્તારની કામગીરી પર અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

મળતી માહિતી મુજબ, રાજીનામું આપનાર ડોક્ટરો છેલ્લા દસ વર્ષથી વધુ સમયથી વન વિભાગમાં સેવા આપી રહ્યા હતા. વન્યપ્રાણીઓની સારવાર, રેસ્ક્યૂ ઓપરેશન, સિંહોના આરોગ્ય નિરીક્ષણ અને ઈમરજન્સી સેવાઓમાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમ છતાં નવી ભરતી પ્રક્રિયામાં તેમના લાંબા અનુભવને પૂરતું પ્રાધાન્ય ન અપાતા તબીબોમાં ભારે રોષ ફેલાયો હતો.

તબીબોનું કહેવું છે કે વર્ષો સુધી કપરા પરિસ્થિતિમાં સેવા આપ્યા બાદ પણ ભરતીમાં અનુભવના આધારે લાભ ન મળવો અન્યાય સમાન છે. નવી ભરતી માટે બહાર પાડવામાં આવેલી શરતોમાં અનુભવી કરાર આધારિત ડોક્ટરોને કોઈ વિશેષ વેઇટેજ ન અપાતા અંતે તેઓએ સામૂહિક રાજીનામું આપવાનો નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.

ગીર વિસ્તારમાં એશિયાટિક સિંહોની સંખ્યા સતત વધી રહી હોવાથી વેટરનરી સેવાઓનું મહત્વ વધુ વધ્યું છે. આવી સ્થિતિમાં અનુભવી તબીબોના રાજીનામાથી વન્યપ્રાણી આરોગ્ય સેવાઓ પર પ્રતિકૂળ અસર પડી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. ખાસ કરીને સિંહોના આરોગ્ય નિરીક્ષણ, રોગચાળો અટકાવવા અને ઇમરજન્સી સારવારમાં મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

વન વિભાગના સૂત્રો મુજબ, મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચાડવામાં આવ્યો છે અને તબીબોને મનાવવા પ્રયાસો હાથ ધરાયા છે. બીજી તરફ તબીબોએ સરકાર સમક્ષ અનુભવને યોગ્ય માન્યતા આપવાની માંગ સાથે ભરતી નીતિમાં સુધારો કરવાની માંગ ઉઠાવી છે.

Leave a Comment

READ MORE

READ MORE