પંજાબમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી એકવાર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભગવંત માનના કાર્યાલય (CMO) ને એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે, જેમાં મુખ્યમંત્રી કાર્યાલય અને પંજાબ ભાજપના મુખ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. આ ધમકીના ઈમેલમાં માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ પંજાબ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડને પણ નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના કારણે ચંદીગઢ અને દિલ્હીમાં સુરક્ષા એજન્સીઓ હાઈ-એલર્ટ પર આવી ગઈ છે.
આ પણ વાંચો...
પુડુચેરીમાં એન. રંગાસામીનો રાજ્યાભિષેક: પાંચમી વખત સંભાળી મુખ્યમંત્રીની કમાન
આ ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંજાબ પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમો તાત્કાલિક કાર્યરત થઈ ગઈ છે. તપાસ એજન્સીઓ હાલમાં ઈમેલના મૂળ સ્ત્રોત અને તેના આઈપી એડ્રેસ (IP Address) ને ટ્રેસ કરી રહી છે જેથી જાણી શકાય કે આ ઈમેલ પાછળ કોનો હાથ છે. ઉલ્લેખનીય છે કે આ ઈમેલમાં ચંદીગઢ સ્થિત પંજાબ ભાજપ હેડક્વાર્ટરની સાથે દિલ્હીમાં આવેલા પક્ષના કાર્યાલયોનો પણ ઉલ્લેખ કરાયો હોવાથી આંતરરાજ્ય સુરક્ષા તપાસ પણ તેજ કરવામાં આવી છે.
પંજાબમાં છેલ્લા કેટલાક સમયથી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નિશાન બનાવવાનો ટ્રેન્ડ વધ્યો હોય તેમ જણાય છે. અગાઉ 7 મેના રોજ જલંધરની જાણીતી એપીજે સ્કૂલને પણ આ જ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો. હવે જ્યારે રાજ્યના સર્વોચ્ચ વહીવટી કાર્યાલય અને મુખ્ય રાજકીય પક્ષના નેતાઓને નિશાન બનાવવાની ધમકી મળી છે. ત્યારે તકેદારીના ભાગરૂપે તમામ મહત્વના સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
Post Views: 53










