મુંબઈ-નવી મુંબઈ વરસાદથી તરબોળ, અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ; ઓરેન્જ એલર્ટ જાહેર

મુંબઈ: આર્થિક રાજધાની મુંબઈ અને નવી મુંબઈમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં રાતભર પડેલા ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે, જ્યારે ભારે વરસાદને પગલે ભારતીય હવામાન વિભાગે મુંબઈ અને કોંકણ વિસ્તાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

ભારે વરસાદની સૌથી વધુ અસર નવી મુંબઈના વાશી સ્થિત એશિયાના સૌથી મોટા ગણાતા APMC માર્કેટમાં જોવા મળી હતી. શાકભાજી, ફળ અને અનાજ માર્કેટના અનેક ભાગોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વેપારીઓ, મજૂરો અને ગ્રાહકોને પાણીમાંથી પસાર થઈને કામ કરવાની ફરજ પડી હતી.

માર્કેટમાં પાણી ભરાવાને કારણે વેપારને મોટો ફટકો પડ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ માલસામાનના પરિવહન અને વેચાણમાં વિક્ષેપ સર્જાતા કરોડો રૂપિયાના વેપારને અસર પહોંચી છે, જ્યારે ખેડૂતોને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બીજી તરફ, મુંબઈ અને નવી મુંબઈને જોડતા સાયન–પનવેલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. રસ્તાઓ પર પાણી ભરાવા, ચાલુ વિકાસકાર્યો અને વાહનોની વધેલી અવરજવરને કારણે હજારો વાહનચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હતા.

મરીન ડ્રાઇવ સહિત મુંબઈના અનેક ઉપનગરોમાં પણ સતત વરસાદ ચાલુ રહ્યો છે. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં નાગરિકોને સાવચેતી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE