સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં સામાન્ય વરસાદ બાદ આશરે 400 મીટર લાંબો રસ્તો બેસી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. રસ્તા પર એક સાથે ચારથી પાંચ વિશાળ ભૂવા પડી જતાં સમગ્ર વિસ્તાર વાહનવ્યવહાર માટે જોખમી બની ગયો હતો. ભૂવાનો કદ એટલો મોટો હતો કે તેમાં કાર પણ સમાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
માહિતી મુજબ, થોડા સમય પહેલાં જ આ માર્ગ પર ડ્રેનેજ લાઇનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. જોકે સામાન્ય વરસાદમાં જ રસ્તો ધસી પડતાં કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અકસ્માતની શક્યતા ટાળવા માટે અસરગ્રસ્ત માર્ગને તાત્કાલિક બંધ કરી બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું અને લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડ્રેનેજ કામગીરી બાદ રસ્તાનું યોગ્ય રીતે પુનઃસ્થાપન કરવામાં આવ્યું ન હોવાથી સમગ્ર માર્ગ નબળો પડી ગયો હતો. સામાન્ય વરસાદમાં જ રસ્તો ધસી પડવાની ઘટનાએ મનપાની કામગીરી અને ગુણવત્તા નિયંત્રણ સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
હાલ મહાનગરપાલિકા દ્વારા રસ્તો બેસી જવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ નુકસાનગ્રસ્ત માર્ગના સમારકામ અને ડ્રેનેજ લાઇનની તકનીકી તપાસની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.











