સુરત: સુરત સાયબર ક્રાઇમ પોલીસે વજન ઘટાડવાની દવાના નામે દેશભરની મહિલાઓને નિશાન બનાવી કરોડોની ઓનલાઈન છેતરપિંડી આચરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગુરુગ્રામ સ્થિત કોલ સેન્ટર પર દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં અત્યાર સુધી ₹1.77 કરોડની છેતરપિંડી સામે આવી છે, જ્યારે પ્રાથમિક તપાસમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન ₹75થી ₹80 કરોડની ઠગાઈ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ફેક વેબસાઇટ્સ, સોશિયલ મીડિયા જાહેરાતો અને ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરીને વજન ઘટાડવાની દવા અને હેલ્થ પ્રોડક્ટ્સ અંગે આકર્ષક દાવા કરતા હતા. ખાસ કરીને મહિલાઓને લક્ષ્ય બનાવી તેઓ ઓનલાઈન ઓર્ડર અને પેમેન્ટના બહાને મોટી રકમ પડાવતા હતા.
સાયબર ક્રાઇમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેલના આધારે હરિયાણાના ગુરુગ્રામમાં ચાલતા કોલ સેન્ટર સુધી પહોંચી સફળ દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન ચાર આરોપીઓની ધરપકડ કરી છેતરપિંડીમાં ઉપયોગમાં લેવાતા કમ્પ્યુટર, મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ પુરાવા કબજે કરવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગનું નેટવર્ક દેશના અનેક રાજ્યોમાં સક્રિય હોવાની શક્યતા છે. નાણાકીય લેવડદેવડ, અન્ય સંડોવાયેલા આરોપીઓ તેમજ છેતરાયેલા ભોગ બનનારાઓની સંખ્યા અંગે વધુ તપાસ ચાલી રહી છે. સમગ્ર કૌભાંડમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા પણ પોલીસે વ્યક્ત કરી છે.











