કેન્દ્ર સરકારના એક ચોંકાવનારા અને કડક આર્થિક નિર્ણયે દેશના બુલિયન માર્કેટમાં ભૂકંપ લાવી દીધો છે. રૂપિયાના મૂલ્યને સ્થિર કરવા અને વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઘટાડવા માટે સરકારે સોના-ચાંદીની આયાત જકાત (Import Duty) માં ધરખમ વધારો કર્યો છે. આ જાહેરાતના પગલે જ સોના અને ચાંદીના ભાવમાં રાતોરાત એવો ભડકો થયો છે કે સામાન્ય જનતા માટે હવે ઘરેણાં ખરીદવા એક સ્વપ્ન સમાન બની ગયા છે.
MCX પર રેકોર્ડબ્રેક તેજી: સોનું 1.64 લાખની સપાટીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે. કારોબારી સત્ર દરમિયાન સોનું પ્રતિ 10 ગ્રામ ₹11,055 વધીને ₹1,64,497 ના સ્તર પર પહોંચી ગયું હતું. બજાર ખુલતી વખતે જે સોનું ₹1,54,851 પર હતું, તેમાં ટૂંકા ગાળામાં આવેલા આ ધરખમ ઉછાળાએ રોકાણકારોને પણ સ્તબ્ધ કરી દીધા છે.
ચાંદીમાં ‘કરંટ’: 1 કિલોનો ભાવ ₹3 લાખને પાર સોના કરતાં પણ વધુ આઘાતજનક તેજી ચાંદીમાં જોવા મળી છે. વાયદા બજારમાં ચાંદીની કિંમત પ્રતિ કિલોગ્રામ ₹22,367 ઉછળીને ₹3,01,429 પર પહોંચી ગઈ છે. ભારતીય બજારના ઇતિહાસમાં પ્રથમ વખત ચાંદીએ 3 લાખ રૂપિયાની મનોવૈજ્ઞાનિક સપાટી વટાવી છે.જેના કારણે જ્વેલરી ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સરકારે કેમ લીધો આ કડક નિર્ણય? બજારના નિષ્ણાતોના મતે, કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી 6% થી વધારીને સીધી 15% કરી દીધી છે. આ પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:
-
વિદેશી હૂંડિયામણની બચત: સોનાની આયાત ઘટાડીને ડોલરના આઉટફ્લોને રોકવો.
-
રૂપિયાનું મૂલ્ય: આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટતા જતાં રૂપિયાને ટેકો આપવો.
-
આંતરરાષ્ટ્રીય પરિબળો: વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સમાં થયેલો ફેરફાર પણ આ તેજીમાં તેલ હોમવાનું કામ કરી રહ્યો છે.
બજારના જાણકારો માની રહ્યા છે કે નવી ડ્યુટીના અમલ બાદ અત્યારે કિંમતો એડજસ્ટ થઈ રહી છે. જોકે, આયાત મોંઘી થવાને કારણે આગામી સમયમાં લગ્નસરાની સિઝનમાં સોના-ચાંદીની માંગ પર માઠી અસર પડી શકે છે. હાલના તબક્કે રોકાણકારો ‘વધારા અને રાહ જુઓ’ (Wait and Watch) ની નીતિ અપનાવી રહ્યા છે.
Post Views: 49










