ભાવનગર: તા. 21/07/2026ના રોજ પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, ભાવનગર પારા ખાતે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાના પ્રાચાર્ય શ્રી નીરજ જોનવાલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકગણ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ સાથે મળીને શાળા પરિસરમાં વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરી પર્યાવરણ જતનનો સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે પ્રાચાર્ય શ્રી નીરજ જોનવાલે વિદ્યાર્થીઓ અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વૃક્ષો પ્રકૃતિનું અમૂલ્ય વરદાન છે. પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળીને વધારવી અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ વાતાવરણ આપવું એ દરેકની જવાબદારી છે. તેમણે દરેક વ્યક્તિને ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની નિયમિત સંભાળ રાખવા અપીલ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઉત્સાહભેર વૃક્ષારોપણ કરીને પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.











