આસામમાં પૂરનો પ્રચંડ પ્રકોપ: 24 કલાકમાં 21ના મોત, 5.64 લાખ લોકો સંકટમાં

શિવસાગર સૌથી વધુ પ્રભાવિત, 872 ગામો પાણીમાં ગરકાવ; મુખ્યમંત્રી હિમંતા શર્મા કરશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

ગૌહાટી: આસામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની સ્થિતિ વધુ ભયાવહ બની રહી છે. છેલ્લા 24 કલાકમાં પૂર અને સંબંધિત દુર્ઘટનાઓમાં 21 લોકોના મોત થતાં ચાલુ વર્ષે મૃત્યુઆંક વધીને 31 પર પહોંચી ગયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત બન્યું છે.

અસમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, હાલમાં 16 જિલ્લાઓના 5.64 લાખથી વધુ લોકો પૂરની અસર હેઠળ છે. સતત વધતા જળસ્તરને કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને હજારો પરિવારોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે.

સૌથી વધુ નુકસાન શિવસાગર જિલ્લામાં નોંધાયું છે, જ્યાં 13 લોકોના મોત થયા છે અને 3.59 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત જોરહાટમાં 87 હજાર અને ચરાઈદેવમાં 72 હજારથી વધુ લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

પૂરના પાણીમાં 44 રેવન્યુ સર્કલ હેઠળ આવેલા 872 ગામો ગરકાવ થઈ ગયા છે. રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં 71 રાહત કેમ્પ તથા 202 રાહત વિતરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે, જ્યાં અસરગ્રસ્ત લોકોને ખોરાક, આશ્રય અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ ટૂંક સમયમાં પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈને બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સંબંધિત વિભાગોને હાઈ એલર્ટ પર રાખી અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE