રાજકોટ:
રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રમાં મહત્વ ધરાવતી લોધિકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીના પરિણામોએ સહકારી રાજકારણમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે. ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીનો પરાજય થતાં રાજકીય તેમજ સહકારી વર્તુળોમાં પરિણામની ખાસ નોંધ લેવાઈ રહી છે.
કુવાડવા બેઠક પર અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયાએ જીત મેળવી હોવાનું પરિણામ સામે આવ્યું છે. બીજી તરફ માધાપર બેઠક પર વિજય સખિયાએ પૃથ્વીસિંહ ઉર્ફે ઘોઘુભા જાડેજાને પરાજય આપી બેઠક પોતાના નામે કરી છે.
માધાપર બેઠકનું પરિણામ વિશેષ ચર્ચાસ્પદ રહ્યું હતું. ભાજપ દ્વારા પોતાના ઉમેદવારના સમર્થનમાં વ્હિપ જારી કરવામાં આવ્યો હોવા છતાં વિજય સખિયાની તરફેણમાં મતદાન થતાં ચૂંટણીના અંતિમ પરિણામે સહકારી ક્ષેત્રના બદલાતા સમીકરણો તરફ સૌનું ધ્યાન દોર્યું છે.
લોધિકા સંઘની કુલ પાંચ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કેટલીક બેઠકો પર કાંટાની ટક્કર જોવા મળી હતી. ત્રંબા બેઠક પર મતગણતરી દરમિયાન ટાઈ સર્જાતા ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરવામાં આવ્યો હતો.
ચૂંટણીના પરિણામોમાં રાદડિયા જૂથના સમર્થિત ઉમેદવારોને પણ મહત્વની સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. પરિણામે લોધિકા સંઘમાં આગામી દિવસોમાં સત્તાના સમીકરણો કેવા રહેશે તેને લઈને સહકારી ક્ષેત્રમાં ચર્ચાઓ તેજ બની છે.
અરવિંદ રૈયાણી જેવા અનુભવી રાજકીય ચહેરાનો પરાજય અને માધાપર બેઠક પર વ્હિપ છતાં થયેલો ઉલટફેર આ ચૂંટણીના સૌથી નોંધપાત્ર પાસાં બન્યા છે. હવે લોધિકા સંઘની નવી રચનામાં કયા જૂથનું પ્રભુત્વ રહે છે અને આગામી સમયમાં સહકારી રાજકારણ કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર રહેશે.










