છોટાઉદેપુર-પંચમહાલને જોડતા માર્ગ પર નવો બ્રિજ બનશે, રૂ.81.14 કરોડની મંજૂરી

છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લાને જોડતા મહત્વના માર્ગ પર છેલ્લા બે વર્ષથી ભારદારી વાહનોની અવરજવર બંધ હોવાથી ટ્રાન્સપોર્ટરોને લાંબા ચકરાવા સાથે વધારાનો સમય અને ઈંધણ ખર્ચવું પડી રહ્યું હતું. ડુંગરવાંટ ગામ નજીક ભારજ નદી પરનો બ્રિજ જર્જરિત થતાં તંત્રએ ભારે વાહનો માટે માર્ગ બંધ કર્યો હતો.

હવે આ સમસ્યાના કાયમી ઉકેલની દિશામાં મહત્વનો નિર્ણય લેવાયો છે. ભારજ નદી પર નવા મેજર બ્રિજના નિર્માણ માટે રૂ.81.14 કરોડની મંજૂરી આપવામાં આવી છે. નવા બ્રિજથી મધ્યપ્રદેશ-ગુજરાત વચ્ચેના ભારદારી વાહનવ્યવહારને ફરી સરળ બનાવવાની આશા છે.

બે વર્ષથી ટ્રાન્સપોર્ટરો પર વધ્યો હતો બોજ

જૂનો બ્રિજ ક્ષતિગ્રસ્ત જાહેર થયા બાદ ભારે વાહનોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડતો હતો. તંત્ર દ્વારા નદીના પટમાં ડ્રાયવર્જન બનાવાયું હતું, પરંતુ ચોમાસામાં મુશ્કેલી વધુ ગંભીર બનતી હતી. લાંબા રૂટના કારણે ઈંધણનો ખર્ચ અને મુસાફરીનો સમય બંને વધતા હતા.

નવા બ્રિજથી વેપાર-ધંધાને પણ લાભ

નવા બ્રિજના નિર્માણથી છોટાઉદેપુર અને પંચમહાલ વચ્ચેની માલસામાનની હેરફેર સરળ બનવાની સાથે ટ્રાન્સપોર્ટરોને પણ રાહત મળશે. ઈંધણનો વધારાનો ખર્ચ ઘટશે અને વાહનચાલકોનો સમય બચશે.

સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાની રજૂઆતો બાદ નવા બ્રિજ માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. હવે રૂ.81.14 કરોડની મંજૂરી મળતાં વિસ્તારના લોકો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

નિર્માણ કામગીરી સમયસર પૂર્ણ થાય તો નવો બ્રિજ માત્ર બે જિલ્લાઓને જ નહીં, પરંતુ ગુજરાત-મધ્યપ્રદેશના વેપાર અને પરિવહન વ્યવસ્થાને પણ નવી ગતિ આપી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE