અમદાવાદીઓ પાણી સાચવીને વાપરજો! નર્મદા નહેરમાં પાણી ઘટતાં આવતીકાલે અડધા શહેરમાં પાણીકાપ, 60 લાખ લોકોને અસર
અમદાવાદ: અમદાવાદ શહેરના નાગરિકો માટે મહત્વના અહેવાલ સામે આવ્યા છે. નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં થતી વધઘટ અને કોતરપુર વૉટર વર્ક્સને પૂરતા પ્રમાણમાં ‘રો-વોટર’ ઉપલબ્ધ નહીં થવાને કારણે આવતીકાલે ૨૫ ઑક્ટોબરે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણમાં ઘટાડો કરવામાં આવશે. આ પાણીકાપને કારણે પૂર્વ, પશ્ચિમ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ સહિત પાંચેય ઝોનના અંદાજે ૬૦ લાખથી વધુ નાગરિકોને અસર વર્તાશે.
પાણીકાપ અને પ્રભાવિત વિસ્તારો અંગેની મુખ્ય વિગતો:
-
કારણ: નર્મદા મુખ્ય નહેરમાં કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીનું સ્તર ઘટવાથી કોતરપુર પ્લાન્ટમાં શુદ્ધિકરણ માટે પૂરતું કાચું પાણી (Raw Water) મળી રહ્યું નથી. આથી ઉપલબ્ધ પાણીના જથ્થા મુજબ જ વિતરણ કરાશે.
-
પૂર્વ અમદાવાદના વિસ્તારો: નિકોલ, ઓઢવ, નરોડા, અમરાઈવાડી, ઇન્ડિયા કોલોની અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં પાણી પુરવઠો ઘટશે.
-
મધ્ય અને દક્ષિણ અમદાવાદ: જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહીબાગ, અસારવા, બહેરામપુરા, નારોલ, દાણીલીમડા અને મણિનગર જેવા વિસ્તારો પ્રભાવિત થશે.
-
પશ્ચિમ અને ઉત્તર અમદાવાદ: વાસણા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સાબરમતી, વાડજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ રવિવારે પાણીનું દબાણ ઓછું રહેશે અથવા વિતરણ ઘટશે.
-
તંત્રની અપીલ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ૨૫ ઑક્ટોબરે પાણીનો કરકસરપૂર્વક અને આયોજનપૂર્વક ઉપયોગ કરે જેથી અગવડતા ન પડે.











