‘ઝાડ અને છોડ’ થીમ હેઠળ બાળકોમાં પોષણ, પર્યાવરણ અને સ્વચ્છતા અંગે જાગૃતિનો સંદેશ
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાના આઈસીડીએસ વિભાગ દ્વારા શહેરની તમામ આંગણવાડીઓમાં ત્રીજા મંગળવાર નિમિત્તે ‘બાળ દિવસ’ અને **‘અન્નપ્રાશન દિવસ’**ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, આઈસીડીએસ ચેરમેન કેતનભાઈ પટેલ અને પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની માસિક થીમ ‘ઝાડ અને છોડ’ અંતર્ગત બાળકો માટે વૃક્ષારોપણ, બીજ વાવેતર, છોડની સંભાળ અને વેસ્ટમાંથી બેસ્ટ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. બાળકોને બગીચાની મુલાકાત કરાવી વિવિધ વૃક્ષો, ફળો, શાકભાજી અને ઔષધીય છોડ વિશે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન છ માસ પૂર્ણ કરેલા બાળકો માટે ‘અન્નપ્રાશન દિવસ’ ઉજવી બાલશક્તિ પેકેટમાંથી પ્રથમ વખત પાતળી રાબ ખવડાવી અન્નપ્રાશનની વિધિ કરાઈ હતી. માતાઓને બાળકના પોષણ, પૂરક આહાર, સ્વચ્છતા અને યોગ્ય વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે બાળકોને વાટકી અને ચમચી ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, સીડીપીઓ, મુખ્ય સેવિકાઓ, આંગણવાડી કાર્યકરો, તેડાગરો, વાલીઓ અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં પોષણ, સ્વચ્છતા, પ્રકૃતિ પ્રત્યેનો લગાવ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો.











