દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા 21 સંવેદનશીલ ટાપુઓ પર સુરક્ષા કારણોસર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી આગામી 23 જુલાઈ 2026 સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
જાહેરનામા મુજબ, કોઈપણ વ્યક્તિને આ ટાપુઓ પર પૂર્વ લેખિત મંજૂરી વિના પ્રવેશ કરવાની મનાઈ રહેશે. સુરક્ષા એજન્સીઓ તથા તંત્રની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. દરિયાકાંઠા વિસ્તાર અને સંવેદનશીલ ટાપુઓ પર શંકાસ્પદ હલચલ અટકાવવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા જણાવાયું છે કે, પ્રતિબંધિત ટાપુઓમાં માછીમારો, પ્રવાસીઓ તેમજ સામાન્ય નાગરિકો કોઈપણ પ્રકારની અવરજવર પૂર્વ પરવાનગી વગર કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેના સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જિલ્લા પ્રશાસને દરિયાકાંઠાના ગામો, બંદરો અને માછીમાર સમાજને પણ આ અંગે ચેતવણી આપી છે. સુરક્ષા દળોને સતત પેટ્રોલિંગ વધારવા અને ટાપુઓની દેખરેખ મજબૂત બનાવવા સૂચના આપવામાં આવી છે.
આ જાહેરનામા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થામાં વધુ કડકાઈ જોવા મળી રહી છે. સ્થાનિક વહીવટી તંત્રએ નાગરિકોને નિયમોનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
Post Views: 32











