ગોંડલ-વોરાકોટડા રોડ પર બસ પલટી ખાઈ દુર્ઘટનાબે મહિલાના કરુણ મોત, 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત
ગોંડલ-વોરાકોટડા રોડ પર આજે એક ગંભીર બસ અકસ્માત સર્જાતા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ બગદાણાથી ગોંડલ તરફ આવી રહેલી મુસાફર બસ અચાનક પલટી ખાઈ જતા દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બે મહિલા મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા.
આ અકસ્માતમાં 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાક મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સાથે જ શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમ પણ રેસ્ક્યૂ ઓપરેશનમાં જોડાઈ હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં મદદરૂપ બની હતી.
અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા અકસ્માતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Post Views: 0











