છોટાઉદેપુર પંથકમાં અરેરાટી: સુસ્કાલ ગામના યુવાનનું ટ્રેક્ટર-ટ્રક અકસ્માતમાં કમકમાટીભર્યું મોત

છોટાઉદેપુર: પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામ નજીક બે દિવસ પૂર્વે સર્જાયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૩૦ વર્ષીય આશાસ્પદ આદિવાસી યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. સુસ્કાલ ગામના રણાફળિયા પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.

મળતી વિગતો અનુસાર, સુસ્કાલ ગામનો શ્રમિક યુવાન ઘનશ્યામભાઈ ભરતભાઈ રાઠવા (ઉંમર વર્ષ ૩૦) પોતાના ટ્રેક્ટરમાં ખાતર ભરીને ખાલી કરવા ગયો હતો. બે દિવસ પહેલાં જ્યારે તે ખાતર ખાલી કરીને પોતાના ટ્રેક્ટર સાથે પરત ફરી રહ્યો હતો, ત્યારે રણાફળિયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટ્રેક્ટર ચાલક ઘનશ્યામભાઈ રાઠવા પર કાળ ત્રાટક્યો હતો અને ઘટનાસ્થળે જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક યુવાનના શવનો કબજો મેળવી, કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ડેથ બોડીને પોસ્ટમોર્ટમ (પી.એમ.) અર્થે વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડી હતી. અકસ્માત સર્જી ફરાર થયેલા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક કમાતા અને જુવાનજોધ દીકરાના અકાળ મોતથી રાઠવા પરિવાર સહિત સમગ્ર સુસ્કાલ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

રીપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE