વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પીએમ તરીકે ૧૨ વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી પ્રસંગે ખોડલધામ ખાતે એક વિશેષ મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ખોડલધામના પવિત્ર પરિસરમાંથી કૃષિ મંત્રીએ ખેડૂતોના હિત માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક જાહેરાત કરી હતી. મંત્રીશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ખેડૂતોના હિત-શત્રુઓ,
ગેરકાયદેસર, પ્રતિબંધિત કે ઓછુંગુણવત્તાવાળી કૃષિ સામગ્રી વેચનારા કે સંગ્રહખોરી કરનારા તત્વોને રાજ્ય સરકાર હવે જરા પણ સાંખી નહીં લે.ગેરરીતિ આચરનારાઓ સામે ‘PBM એક્ટ’ હેઠળ જેલ અને દંડની સજા
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિત સાથે રમત કરનારા તત્વો સાવધાન થઈ જાય. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, ૧૯૫૫ હેઠળ માત્ર લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરીને અટકવામાં નહીં આવે, પરંતુ તેમની સામે સીધી પોલીસ ફરિયાદ અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. વારંવાર આવી ગેરરીતિ આચરતા રીઢા ગુનેગારો સામે હવેથી PBM એક્ટ – ૧૯૮૦” (ધ પ્રિવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એન્ડ મેઈન્ટેનન્સ ઓફ સપ્લાઇ ઓફ એસેન્શિયલ કોમોડિટી એક્ટ) હેઠળ કાયદાનું શસ્ત્ર ઉગામાશે, જેમાં લાયસન્સ રદ થવા સાથે સીધી જેલ અને કડક દંડની જોગવાઈ છે. ગુજરાત સરકાર દ્વારા ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.
માત્ર ૩ મહિનામાં ૫૪ લાયસન્સ સસ્પેન્ડ, ૦૨ સામે FIR
રાજ્યમાં ખેડૂતોને ઉત્તમ ગુણવત્તાવાળી કૃષિ સામગ્રી મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વ હેઠળ ગુણવત્તા નિયંત્રણ તંત્રની વિજીલન્સ ટીમો રાત-દિવસ સક્રિય છે. ચાલુ વર્ષના માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં જ લેવાયેલા કડક પગલાંઓની વિગત નીચે મુજબ છે ૮૫ વિજીલન્સ ટીમો દ્વારા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના કુલ ૩,૫૨૬ ઉત્પાદકો અને વિક્રેતાઓની આકસ્મિક તપાસ કરાઈ. ગુણવત્તાની ચકાસણી માટે ૧,૦૬૦ જેટલા શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા. નિયમોમાં અનિયમિતતા જણાતા ૭૫૨ વિક્રેતાઓને નોટિસ ફટકારી કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ.
નિયમોનું ઉલ્લંઘન કરનાર ખાતરના ૪૨, બિયારણના ૦૬ અને જંતુનાશક દવાના ૦૬ મળીને કુલ ૫૪ લાયસન્સ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવાયા છે. જ્યારે ગંભીર બેદરકારી બદલ ૨ ઇસમો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. આ ઉપરાંત, ટેકનિકલ ગ્રેડ યુરિયા વાપરતા ૭૪ એકમો પૈકી ૨૨ એકમોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે.
ગત વર્ષે ૨૪૬ લાયસન્સ રદ કરી ૨૬ સામે થઈ હતી કાનૂની કાર્યવાહી
કૃષિ વિભાગની કડક વૉચની આંકડાકીય માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગત વર્ષ ૨૦ concert દરમિયાન ૨૭૬ વિજીલન્સ ટીમો દ્વારા ૬,૩૮૦ ઉત્પાદકો-વિક્રેતાઓની તપાસ કરવામાં આવી હતી. જેમાં નિયમોનો ભંગ કરનારા કુલ ૨૪૬ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવ્યા હતા અને ૨૬ તત્વો સામે એફ.આઈ.આર. (FIR) દાખલ કરીને જેલભેગા કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
સબસિડીવાળા ખાતરની કાળાબજારી રોકવા POS મશીનનું સઘન ચેકિંગ
સરકાર દ્વારા સબસિડીવાળા સરકારી ખાતરના વેચાણ પર પણ ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. ખાતરનું વેચાણ કરતી તમામ પેઢીઓના POS મશીન, ભૌતિક જથ્થો, રેકોર્ડ અને બિલોની નિયમિત ચકાસણી કરવામાં આવે છે. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૪,૬૭૪ ખાતર વિક્રેતાઓ અને ઉત્પાદકોની સ્થળ મુલાકાત લઈને કડક વૉચ રાખવામાં આવી રહી છે, જેથી રાસાયણિક ખાતર બારોબાર વેચવાની પ્રવૃત્તિ કે કાળાબજારી અટકાવી શકાય.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજ્યના તમામ ખેડૂત ભાઈઓને આશ્વસ્ત કર્યા છે કે, જગતના તાતને કોઈ પણ પ્રકારે આર્થિક નુકસાન ન થાય અને તેમને શ્રેષ્ઠ તેમજ શુદ્ધ કૃષિ ઉત્પાદનો જ મળે તે માટે સરકાર રાત-દિવસ કાર્યરત છે. મંત્રીશ્રીએ ખેડૂતોને અપીલ કરી છે કે જો તેમની આસપાસ આવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય તો કચેરીએ રૂબરૂ, લેખિત, મૌખિક કે ટેલિફોનિક સાચી જાણ કરે, માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. ભવિષ્યમાં પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે આ જ પ્રકારે વધુ કડક પગલાં લેવાનું ચાલુ રહેશે.
Post Views: 0











