રાજકોટ શહેરમાં વધતી જતી વસ્તી અને પોલીસિંગની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા રાજકોટ શહેર પોલીસને વધુ બે નવા પોલીસ સ્ટેશનની મંજૂરી આપવામાં આવી છે. આજીડેમ અને યુનિવર્સિટી પોલીસ મથકનું વિભાજન કરીને સરધાર અને માધાપર ખાતે નવા પોલીસ સ્ટેશન શરૂ કરવાની મંજૂરી મળતા રાજકોટ શહેરમાં હવે કુલ 17 પોલીસ સ્ટેશન થશે.
વધુ બે પોલીસ સ્ટેશનને મંજૂરી મળ્યા બાદ શહેરના ત્રણ પોલીસ સ્ટેશન હેઠળ કુલ ચાર નવી પોલીસ ચોકીઓ પણ કાર્યરત કરવામાં આવશે. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવપરા અને અટીકા, આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોઠડા, જ્યારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ રેસકોર્સ–અટલ સરોવર પોલીસ ચોકી ફાળવવામાં આવશે.
નવા પોલીસ મથકોને મંજૂરી મળ્યા બાદ આગામી દિવસોમાં બંને નવા પોલીસ સ્ટેશન માટે જરૂરી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફની ફાળવણી અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સ્ટાફની ફાળવણી બાદ બંને પોલીસ મથકને કાર્યરત કરવાની પ્રક્રિયાને વેગ મળશે.
દરમિયાન, રાજકોટ હેડક્વાર્ટર્સ માટે સ્વતંત્ર ડીસીપીની નિમણૂક અંગે કરવામાં આવેલી દરખાસ્તને રાજ્ય ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, જેના કારણે આ દરખાસ્ત હાલ નામંજૂર રહી છે.
નવા બે પોલીસ સ્ટેશન અને ચાર પોલીસ ચોકીઓ કાર્યરત થતાં રાજકોટ શહેરમાં પોલીસની પહોંચ વધુ વિસ્તરશે અને સ્થાનિક વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની કામગીરી વધુ અસરકારક બનવાની શક્યતા છે.











