અમેરિકા અને ઈરાન વચ્ચે ડીલ ક્યારે થશે તે અંગે સસ્પેન્સ સતત વધી રહ્યું છે. બંને દેશો વચ્ચે ફરી એકવાર યુદ્ધ ભડકી ગયું છે. ઈરાને અમેરિકી સેનાના એક અપાચે હેલિકોપ્ટરને તોડી પાડ્યું હતું. આ પછી અમેરિકાએ પણ ઈરાન સામે જવાબી હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈરાને પણ મિડલ ઈસ્ટમાં અમેરિકાના ઘણા ઠેકાણાઓ પર મિસાઈલ છોડી દીધી હતી. આ સમગ્ર તણાવ વચ્ચે હવે ઓમાનના દરિયાકાંઠે એક જહાજ પર હુમલો કરવામાં આવ્યો છે. AP (એસોસિએટેડ પ્રેસ)ના જણાવ્યા અનુસાર, અમેરિકી સેનાએ કહ્યું છે કે તેણે ઈરાનના બંદરો પર લગાવેલી નાકાબંધીનું ઉલ્લંઘન કરીને ઈરાનથી તેલ લઈ જવાનો પ્રયાસ કરી રહેલા એક ઓઈલ ટેન્કર પર ફાયરિંગ કર્યું છે. હવે એવી માહિતી સામે આવી છે કે આ જહાજ પર 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 3 લાપતા હોવાનું કહેવાય છે. હવે ભારત સરકારે પણ જહાજ પર થયેલા આ હુમલા સામે કડક વાંધો ઉઠાવ્યો છે.
વિદેશ મંત્રાલયે અમેરિકી અધિકારીને કર્યા તલબ
સામે આવેલી માહિતી મુજબ, ભારત સરકારે ઓમાનના દરિયાકાંઠે જહાજ પર થયેલા હુમલાને લઈને કડક વલણ અપનાવ્યું છે. ભારતે ઓમાનના દરિયાકાંઠે કોમર્શિયલ જહાજ ‘સેટેબેલો’ (Settebello) પર થયેલા હુમલાની નિંદા કરી છે. આ જહાજ પર 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા. માહિતી અનુસાર, જહાજ પર સવાર 21 ભારતીયોને બચાવી લેવાયા છે, જ્યારે 3 હજુ પણ લાપતા છે. અહેવાલો મુજબ, વિદેશ મંત્રાલયે અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ (નિયુક્ત રાજદ્વારી) જેસન મીક્સને તલબ કર્યા (બોલાવ્યા) છે. ભારતે આ વિસ્તારમાં તણાવ ઓછો કરવા, કોમર્શિયલ શિપિંગની સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય જળસીમામાં સુરક્ષિત નેવિગેશન પુનઃસ્થાપિત કરવાની પોતાની માંગ દોહરાવી છે. વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ (અમેરિકા) નાગરાજ નાયડુએ અમેરિકાના ચાર્જ ડી’અફેર્સ જેસન મીક્સને તલબ કરીને વિરોધ નોંધાવ્યો છે.
ઓમાનમાં ભારતીય દૂતાવાસે શું જણાવ્યું?
આ પહેલા ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે પણ આ ઘટના અંગે માહિતી આપી હતી. દૂતાવાસે કહ્યું હતું કે- “અમને ઓમાનના દરિયાકાંઠે એક જહાજ સાથે જોડાયેલી ઘટનાની જાણકારી મળી છે. અમે સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છીએ અને સ્થાનિક સત્તાવાળાઓના સંપર્કમાં છીએ. અમે ટૂંક સમયમાં વધુ વિગતો આપીશું.”











