પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળના કાશ્મીર (PoK)માં સ્થાનિક જનતાએ હવે પાકિસ્તાની સેના સામે આરપારની જંગ છેડી દીધી છે. અહેવાલો અનુસાર, ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓએ પાકિસ્તાની સેનાના એક એમઆઈ-17 (MI-17) હેલિકોપ્ટરને નિશાન બનાવીને તોડી પાડ્યું છે. આ હેલિકોપ્ટર 21 સૈનિકોને લઈને મુઝફ્ફરાબાદ તરફ જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર તમામ 21 સૈનિકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જો કે, પાકિસ્તાની સેના આ હુમલાની વાત છુપાવી રહી છે અને ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હોવાનો દાવો કરી રહી છે. બીજી તરફ, PoKની જનતાનું કહેવું છે કે, આ દુર્ઘટના પાકિસ્તાની ફોજ દ્વારા કરવામાં આવતા અત્યાચારોનું જ પરિણામ છે.
જનતા પર પાકિસ્તાની સેનાનું અંધાધૂંધ ફાયરિંગ, અનેક લોકોના મોતના અહેવાલ
હાલમાં પાકિસ્તાન સરકાર અને સેના વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાની રેન્જર્સ અને સેના લોકોને ડરાવવા માટે સીધું ફાયરિંગ કરી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ડઝનબંધ લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાની સેના દ્વારા ખાસ કરીને PoKમાં પ્રદર્શનકારીઓને કચડી નાખવા માટે એવિએશન બ્રિગેડ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક મસ્જિદો, મદરેસાઓ અને સરકારી ઈમારતો પરથી લાઉડસ્પીકર દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે જો પ્રદર્શનકારીઓ શહેરો તરફ આગળ વધશે અને સરકારી આદેશોનું ઉલ્લંઘન કરશે તો તેમણે ગંભીર પરિણામો ભોગવવા પડશે.
ધમકીઓ બેઅસર: લાશો છુપાવતી પાકિસ્તાની સેના
પાકિસ્તાની સેનાની આ ધમકીઓની PoKની જનતા પર કોઈ અસર થઈ નથી. ઝેલમ વેલી, દદિયાલ, કોટલી, ભીમ્બર અને હજીરા જેવા અંતરિયાળ વિસ્તારોમાંથી હજારો લોકો કાફલા સ્વરૂપે શહેરો તરફ આગળ વધી રહ્યા છે. પાકિસ્તાની સેનાએ આ જનમેદનીને રોકવા માટે અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવા છતાં લોકો પીછેહઠ કરવા તૈયાર નથી. સ્થાનિક લોકોનો આરોપ છે કે સેના દ્વારા મૃતકોની લાશ છુપાવવામાં આવી રહી છે. જેથી કરીને માર્યા ગયેલા લોકોનો સાચો આંકડો સામે ન આવી શકે.
મોંઘી વીજળી અને લોટના વિરોધમાં 8 જૂનથી જ સંપૂર્ણ બંધ
PoKમાં છેલ્લા ત્રણ દિવસથી સ્થિતિ અત્યંત તંગ બનેલી છે. વાસ્તવમાં, ‘જોઇન્ટ અવામી એક્શન કમિટી’ દ્વારા મોંઘી વીજળી અને લોટના આસમાને પહોંચેલા ભાવો સામે 9 જૂનથી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ, પાકિસ્તાન સરકાર સામે જનતાનો આક્રોશ એટલો પ્રચંડ હતો કે લોકોએ 8 જૂનથી જ સ્વેચ્છાએ દુકાનોના શટર પાડી દીધા હતા અને શહેરો તરફ કૂચ કરી દીધી હતી. આ જનવિદ્રોહને દબાવવા માટે પાકિસ્તાન સરકારે પેરા-મિલિટરી ફોર્સ અને રેન્જર્સને મેદાને ઉતાર્યા છે. જેઓ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરશાવી રહ્યા છે.
Post Views: 0











