કમિશનની લાલચે સાયબર ઠગોને મદદ કરતો ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

કમિશનની લાલચે સાયબર ઠગોને મદદ કરતો ‘મ્યુલ એકાઉન્ટ’ ધારક ઝડપાયો

ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ઠગાઈના કરોડો રૂપિયાના કૌભાંડમાં મહત્વની સફળતા મેળવી છે. કમિશનની લાલચે પોતાના બેન્ક ખાતાનો ઉપયોગ કરાવી સાયબર ઠગોને મદદ કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીના બેન્ક ખાતામાં માત્ર એક જ દિવસમાં આશરે 49 લાખ રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયું હતું. દેશના વિવિધ રાજ્યોમાંથી આ જ ખાતા સામે કુલ 8 અલગ-અલગ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી.

સાયબર ક્રાઇમ પીઆઈ એમ.સી. ચૌધરી અને પીએસઆઈ પી.એન. પરમારની ટીમે સમન્વય પોર્ટલના ડેટાના આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે પોલીસે ભાવનગરની મિલની ચાલીમાં રહેતા રાહુલ મનસુખભાઈ બોરીચા (ઉં.વ. 32)ને ઝડપી પાડ્યો હતો.

આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 317(2) અને 317(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આરોપી કમિશનના બદલામાં પોતાનું બેન્ક એકાઉન્ટ સાયબર ઠગોને આપતો હોવાનું બહાર આવ્યું છે.

પોલીસનું માનવું છે કે આ માત્ર એક વ્યક્તિ નહીં પરંતુ આંતરરાજ્ય સ્તરે કાર્યરત મોટા સાયબર ઠગ નેટવર્કની કડી છે. હવે આ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવા માટે દેશભરમાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

સાયબર ક્રાઇમ પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિને બેન્ક ખાતું, ATM કાર્ડ, ચેકબુક કે મોબાઇલ નંબર આપવાથી દૂર રહેવા અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE