ઉર્જા ક્ષેત્રે સૌરાષ્ટ્રની ઐતિહાસિક છલાંગ

ઉર્જા ક્ષેત્રે સૌરાષ્ટ્રની ઐતિહાસિક છલાંગ

માણાવદરમાં ONGCનું 3000 મીટર સુધીનું રેકોર્ડબ્રેક ડ્રિલિંગ, તેલ-ગેસના ભંડાર અંગે આશા મજબૂત

જૂનાગઢ જિલ્લાના માણાવદર પંથકમાં ખનીજ તેલ અને કુદરતી ગેસની શોધ માટે ચાલી રહેલા મહત્ત્વાકાંક્ષી અભિયાનમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ONGC દ્વારા બુરી-દડવા ગામ નજીક 3000 મીટર જેટલી ઊંડાઈ સુધી સફળતાપૂર્વક ડ્રિલિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્રના ઉર્જા ક્ષેત્ર માટે ઐતિહાસિક ઘટના માનવામાં આવી રહી છે.

ઓક્ટોબર 2023 દરમિયાન કરાયેલા જીઓલોજિકલ સર્વેમાં સકારાત્મક સંકેતો મળ્યા બાદ આ પ્રોજેક્ટને વેગ આપવામાં આવ્યો હતો. હાલ અત્યાધુનિક NG-1500-1 ડ્રિલિંગ રિગની મદદથી માણાવદર અને આસપાસના લગભગ 12 કિલોમીટર વિસ્તારમાં કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

આ વિશાળ ઓપરેશન માટે વિશ્વભરમાંથી પસંદ કરાયેલા 30 ઉચ્ચ કક્ષાના એન્જિનિયરો અને 34 તકનીકી નિષ્ણાતો સહિત કુલ 64 સભ્યોની ટીમ 24 કલાક સતત કાર્યરત છે. ડ્રિલિંગ દરમિયાન જમીનના પેટાળમાંથી મળતા પથ્થરો અને માટીના નમૂનાઓ એકત્ર કરી અદ્યતન વૈજ્ઞાનિક પરીક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરની લેબોરેટરીઓમાં મોકલવામાં આવી રહ્યા છે.

નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં આ પરીક્ષણોના આધારે વિસ્તારમાં રહેલા તેલ અને કુદરતી ગેસના જથ્થા અંગે વધુ સ્પષ્ટ માહિતી સામે આવશે. જો પરિણામો આશાજનક રહેશે તો સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે આ પ્રોજેક્ટ એક ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE