ગુજરાતમાં CMO, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં CMO, AMC અને RSS કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાતમાં આજે સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. અમદાવાદ અને ગાંધીનગર સ્થિત અનેક મહત્વપૂર્ણ સરકારી તથા સંસ્થાગત કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલ મળતા પોલીસ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.

મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ મહાનગરપાલિકા (AMC) ની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરી તેમજ RSS કાર્યાલયને નિશાન બનાવી ધમકી આપવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલમાં મોકલનારે પોતાનું કનેક્શન ‘ખાલિસ્તાન’ સાથે હોવાનું લખ્યું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

ઈમેલમાં 10 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ સ્થળોએ બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે. RSS કાર્યાલયને સાંજે 5:11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

ધમકી મળતા જ પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), સાયબર ક્રાઈમ સેલ, ફાયર વિભાગ અને અન્ય સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક તપાસમાં જોડાઈ ગઈ છે. સંદિગ્ધ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તેમજ ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવા સાયબર ટીમ દ્વારા ટેક્નિકલ તપાસ શરૂ કરવામાં આવી છે.

હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, પરંતુ સમગ્ર મામલાને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. રાજ્યભરના મહત્વપૂર્ણ સરકારી મકાનો અને જાહેર સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE