હોર્મુઝની સામુદ્રધુનીમાં ગુજરાતના જહાજ ‘હાજી અલી’ પર ડ્રોન હુમલો: જહાજ દરિયામાં ગરકાવ, 14 ભારતીય ખલાસીઓનો ચમત્કારિક બચાવ

આંતરરાષ્ટ્રીય જળસીમામાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ઓમાનના દરિયાકાંઠે હોર્મુઝ સ્ટ્રેટ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના માલવાહક જહાજ ‘એમએસવી હાજી અલી’ (MSV HAJI ALI) પર ભયાનક ડ્રોન અથવા મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલો એટલો પ્રચંડ હતો કે જહાજમાં જોતજોતામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અને અંતે જહાજ મધદરિયે ડૂબી ગયું હતું. ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની પૃષ્ઠભૂમિમાં ભારતીય જહાજને નિશાન બનાવવાની આ ઘટનાથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો…

ટેક્સી અને જાહેર વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ-પેનિક બટન ફરજિયાત: સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

આ ઘટનાની વિગતો મુજબ, બુધવારે વહેલી સવારે આશરે 3:30 કલાકે જ્યારે ‘હાજી અલી’ જહાજ સોમાલિયાના બાર્બરીથી માલ ભરીને શારજાહ તરફ જઈ રહ્યું હતું, ત્યારે ઓમાનના લિમાહ નજીક તેને નિશાન બનાવવામાં આવ્યું હતું. અચાનક થયેલા આ હુમલા બાદ જહાજમાં સવાર તમામ 14 ભારતીય ક્રૂ મેમ્બરોએ ભારે હિંમત અને સમયસૂચકતા દાખવી હતી. જહાજ ડૂબવા લાગતા તમામ ખલાસીઓએ લાઈફબોટની મદદથી દરિયામાં ઝંપલાવ્યું હતું. સદનસીબે, ઓમાન કોસ્ટ ગાર્ડની ટીમે ત્વરિત કાર્યવાહી કરી તમામ 14 ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. હાલ આ તમામ ખલાસીઓ ઓમાનના દિબા બંદર પર સુરક્ષિત હોવાની પુષ્ટિ જહાજના માલિક સુલતાન અહેમદ સંઘરે પણ કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયે આ હુમલાને અત્યંત ગંભીરતાથી લીધો છે અને આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે એક સત્તાવાર નિવેદનમાં આ હુમલાને ‘અસ્વીકાર્ય’ ગણાવીને તેની સખત નિંદા કરી છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વાણિજ્યિક જહાજો અને નિર્દોષ નાગરિક ખલાસીઓને આ રીતે નિશાન બનાવવા તે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નેવિગેશનની સ્વતંત્રતાનું સરેઆમ ઉલ્લંઘન છે. સમુદ્રી વેપારના માર્ગો સુરક્ષિત રહેવા જોઈએ તે બાબતે ભારતે વૈશ્વિક મંચ પર કડક વલણ અપનાવ્યું છે.

અરબી સમુદ્ર અને હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય હિતો પર વધી રહેલા આ જોખમને પગલે ભારતીય નૌકાદળ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ થઈ ગઈ છે. આ હુમલો કોણે કર્યો અને તેની પાછળનો ચોક્કસ હેતુ શું હતો. તે અંગે હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગુજરાતના દરિયાકાંઠાના ખલાસીઓ અને વેપારીઓમાં આ ઘટનાને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જોકે તમામ ભારતીયો સુરક્ષિત હોવાથી મોટી જાનહાનિ ટળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE