જાવેદ જાફરીની પત્ની સાથે ₹17.5 કરોડની છેતરપિંડી: હાઉસિંગ પ્રોજેક્ટના નામે રોકાણ કરાવી આરોપીએ આચરી મોટી છેતરપિંડી

બોલિવૂડના જાણીતા અભિનેતા અને કોમેડિયન જાવેદ જાફરીની પત્ની હબીબા જાફરી સાથે અધધ ₹17.5 કરોડની છેતરપિંડી થઈ હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને ધ્યાને લઈને મુંબઈ પોલીસના પ્રોપર્ટી સેલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને મજબૂત પુરાવાઓના આધારે પોલીસે આ ગુનામાં સંડોવાયેલા નિશિત પટેલ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે. મનોરંજન જગતની જાણીતી હસ્તીના પરિવાર સાથે થયેલી આ આર્થિક છેતરપિંડીએ સમગ્ર મુંબઈમાં ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો…

મોંઘવારીનો વધુ એક ડામ: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર ₹2નો તોતિંગ વધારો

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી નિશિત પટેલે હબીબા જાફરીને એક આકર્ષક હાઉસિંગ પ્રોજેક્ટમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. તેણે આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી ટૂંકા સમયમાં ખૂબ જ મોટું અને નફાકારક વળતર મળશે તેવા ખોટા વચનો આપી તેમનો વિશ્વાસ જીત્યો હતો. આ લોભામણી સ્કીમમાં ફસાઈને હબીબા જાફરીએ તબક્કાવાર આશરે ₹17.5 કરોડ જેટલી માતબર રકમનું રોકાણ કર્યું હતું. જોકે, વળતર મળવાને બદલે પોતાની મૂડી પણ જોખમમાં મુકાતા આખરે તેમણે પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી.

ધરપકડ બાદ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી નિશિત પટેલે એક ચોંકાવનારો દાવો કરીને તપાસની દિશા બદલવાનો પ્રયાસ કર્યો છે. આરોપીએ નિવેદન આપ્યું છે કે, તેણે આ તમામ નાણાકીય વ્યવહારો એક ઉચ્ચ અધિકારીના કહેવા પર અને તેમના માર્ગદર્શન હેઠળ કર્યા હતા. આરોપીના આ દાવાએ પોલીસ તંત્રમાં પણ દોડધામ મચાવી દીધી છે. હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ્સ અને તમામ નાણાકીય દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે.જેથી તે અધિકારીના નામ પાછળ રહેલું સત્ય બહાર લાવી શકાય.

હાલમાં મુંબઈ પોલીસની સ્પેશિયલ ટીમ આ છેતરપિંડીના આખા નેટવર્કને તોડવા માટે મથામણ કરી રહી છે. આરોપી નિશિત પટેલને કોર્ટમાં હાજર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેથી પોલીસ તેના રિમાન્ડ મેળવી શકે અને આ મોટા કાવતરામાં અન્ય કોણ કોણ સામેલ છે તેની કડીઓ મેળવી શકાય. આ કેસમાં આગામી સમયમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે. કારણ કે, પોલીસ તપાસ કરી રહી છે કે, શું આ કોઈ આંતરરાજ્ય ગેંગનું કામ છે કે પછી કોઈ પદ્ધતિસરનું મોટું આર્થિક કૌભાંડ છે.

સેલિબ્રિટીઝના પરિવારજનોને નિશાન બનાવવાની આ ઘટનાથી મુંબઈના આર્થિક ગુનાખોરીના વધતા વ્યાપ પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. આ કેસ હાલમાં ‘ટોક ઓફ ધ ટાઉન’ બન્યો છે અને મુંબઈ પોલીસ આ કેસના મૂળ સુધી પહોંચવા માટે આધુનિક ટેકનોલોજી અને પુરાવાઓનો સહારો લઈ રહી છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ નામો સામે આવે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE