જ્યાં રમકડાં વેચાતા હતા ત્યાં લાશોના ઢગલા: માસૂમ બાળકોનો શું વાંક? નાઇજીરીયામાં કાળજું કંપાવતી દુર્ઘટના.

નાઇજીરીયામાં એક સૈન્ય હવાઈ હુમલાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે દાવો કર્યો છે કે દેશના ઉત્તરી ભાગમાં એક બજાર પર થયેલા હવાઈ હુમલામાં આશરે 100 સામાન્ય નાગરિકોના મોત થયા છે. જોકે, નાઇજીરીયાની સેનાએ આ દાવાને ફગાવી દીધો છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે સોમવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે ‘ટુમ્ફા’ ના બજાર પર સૈન્ય હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. સંગઠનનો આરોપ છે કે, આ હુમલામાં મોટી સંખ્યામાં નિર્દોષ લોકો માર્યા ગયા છે.

‘માત્ર એક ગામમાં 80 લોકોને દફનાવવામાં આવ્યા’

રેડ ક્રોસના અધિકારી ઇબ્રાહિમ બેલો ગારબાએ પણ સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે આ હુમલામાં ‘અનેક નાગરિકો’ એ જીવ ગુમાવ્યા છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ નાઇજીરીયાના ડાયરેક્ટર ઇસા સનુસીએ જણાવ્યું હતું કે, “માત્ર એક જ ગામમાં 80 લોકોને દફનાવવામાં આવ્યા છે. માર્યા ગયેલા લોકો સશસ્ત્ર ગેંગના સભ્યો હતા તેવા કોઈ પુરાવા નથી. તમામ લોકો સામાન્ય નાગરિકો હતા. જેમાં મોટાભાગે નાની બાળકીઓ અને બાળકોનો સમાવેશ થાય છે.” બીજી તરફ, નાઇજીરીયાની સેનાએ હવાઈ હુમલાની પુષ્ટિ તો કરી છે. પરંતુ નાગરિકોના મોતનો ઇનકાર કર્યો છે.

આ પણ વાંચો…

થાઈલેન્ડ વેકેશન માતમમાં ફેરવાયું: ફુકેટમાં પાંચ ભારતીય મિત્રો સાથે શું થયું? એકનું મોત, ત્રણ કોમામાં

‘સામાન્ય નાગરિકો અમારા નિશાના પર હોતા નથી’

સેનાના પ્રવક્તા માઈકલ ઓનોજાએ કહ્યું કે, “મીડિયામાં જણાવવામાં આવી રહેલા નાગરિકોના મોતના દાવાઓની પુષ્ટિ માટે કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. સામાન્ય નાગરિકો અમારા નિશાના પર હોતા નથી અને તેમને નુકસાનથી બચાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવે છે.” સેનાએ એમ પણ જણાવ્યું કે વિસ્તારમાં સૈન્ય અભિયાન હજુ ચાલુ છે. નોંધનીય છે કે નાઇજીરીયા લાંબા સમયથી બોકો હરામ સહિતના અનેક સશસ્ત્ર સંગઠનો સામે ઝઝૂમી રહ્યું છે.

ગયા મહિને પણ 100 લોકોના મોત થયા હતા

ગયા મહિને પણ નાઇજીરીયાની વાયુસેના દ્વારા ભૂલથી થયેલા હવાઈ હુમલામાં આશરે 100 લોકોના મોત થયા હતા.વિશ્લેષકોનું માનવું છે કે, વાયુસેના અને જમીન પર તૈનાત સુરક્ષા દળો વચ્ચે સંકલનના અભાવે આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. નિષ્ણાતોના મતે, ઘણીવાર આ સશસ્ત્ર જૂથો સ્થાનિક લોકોની વચ્ચે છુપાઈને રહે છે. જેના કારણે સામાન્ય નાગરિકો અને આતંકીઓ વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE