થાઈલેન્ડ વેકેશન માતમમાં ફેરવાયું: ફુકેટમાં પાંચ ભારતીય મિત્રો સાથે શું થયું? એકનું મોત, ત્રણ કોમામાં

થાઈલેન્ડના ફુકેટથી એક વિચિત્ર ઘટના સામે આવી છે.ફરવા ગયેલા ચાર ભારતીય નાગરિકો એક કેફેમાં ભોજન દરમિયાન અચાનક બેહોશ થઈ ગયા હતા. આ રહસ્યમય ઘટનામાં એક ભારતીય પ્રવાસીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થાઈલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જરૂરી માહિતી શેર કરી છે.

ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, “દૂતાવાસ થાઈ અધિકારીઓના સંપર્કમાં છે અને તે ઘટના પર નજીકથી નજર રાખી રહ્યું છે. જેમાં 9 મે 2026 ના રોજ ફુકેટમાં ચાર ભારતીય પ્રવાસીઓ બેહોશ થઈ ગયા હતા અને બાદમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.” દૂતાવાસે વધુમાં જણાવ્યું કે, “તેમાંના એક યુવાન ભારતીય પ્રવાસીના મોત પર અમારી ઊંડી સંવેદનાઓ. દૂતાવાસના અધિકારીઓ આ દુઃખની ઘડીમાં તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે મૃતકના પરિવારના સંપર્કમાં છે. અમે સંબંધિત થાઈ અધિકારીઓના સંપર્કમાં છીએ. જેઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે અને અન્ય લોકોની તબિયત પર પણ નજર રાખી રહ્યા છે.”

ઘટનાની વિગતો

બેંગકોક પોસ્ટ અનુસાર, પોલીસે પુષ્ટિ કરી છે કે શનિવારે સવારે ફુકેટના એક કેફેમાં રહસ્યમય રીતે બેહોશ થયા બાદ 26 વર્ષીય એક ભારતીય પ્રવાસીનું મોત થયું છે અને ત્રણ અન્ય હજુ પણ હોસ્પિટલમાં છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના કથૂ જિલ્લાના કમલા બીચ વિસ્તારમાં બની હતી. એક જાણીતા કેફેમાં ચાર વિદેશી પ્રવાસીઓ બેહોશ થયા બાદ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા.જેમાંથી ત્રણને પટોંગ હોસ્પિટલ અને એકને થાલાંગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

કેસની તપાસ કરી રહેલી પોલીસે બંને હોસ્પિટલમાં જઈને પીડિતોના નિવેદન નોંધવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્રણેય યુવકો નિવેદન આપવાની સ્થિતિમાં નહોતા. કેફેના સુરક્ષાકર્મીઓએ તપાસકર્તાઓને જણાવ્યું કે:

  • શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યે પાંચ ભારતીય પુરુષો એકસાથે કેફેમાં આવ્યા હતા.

  • તેમની ઓળખ કુશાગ્ર અગ્રવાલ, રાહુલ અગ્રવાલ, રાહુલ અગ્રવાલ (અન્ય એક વ્યક્તિ), અમન અગ્રવાલ અને આર્યન વર્મા તરીકે થઈ છે.

  • શનિવારે સવારે લગભગ 1:54 વાગ્યે ગ્રુપના ચાર સભ્યો એક પછી એક બેહોશ થઈ ગયા.

  • પાંચમા વ્યક્તિ, આર્યન વર્મામાં કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા.

પટોંગ હોસ્પિટલે બાદમાં જણાવ્યું કે બે વ્યક્તિઓ, કુશાગ્ર અગ્રવાલ અને રાહુલ અગ્રવાલ કોમામાં હતા અને તેમને વધુ સારવાર માટે વચિરા ફુકેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. શનિવારે બપોરે લગભગ બે વાગ્યે પોલીસને જાણ કરવામાં આવી હતી કે કુશાગ્ર અગ્રવાલનું મોત થયું છે. બાકીના ત્રણ દર્દીઓની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.થાઈ અધિકારીઓએ ભારતીય દૂતાવાસને જાણ કરી દીધી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે વિગતવાર પોસ્ટમોર્ટમ તપાસ કરવા ફોરેન્સિક નિષ્ણાતો સાથે કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE