“શું તંત્ર ઉંઘે છે? GPCBના આદેશ બાદ પણ ગિરિરાજ પ્લાન્ટ કેમ ચાલુ? જમીન માલિકો સામે કાયદાનો શિકંજો કસવાની ઉઠી માંગ.”

સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે મોટામવા વિસ્તારમાં વિકાસના નામે વિનાશનો ખેલ ખેલાઈ રહ્યો છે. સેકન્ડ રિંગ રોડ પાસે, અર્જુન પાર્ટી પ્લોટ પાછળ આવેલી આવાસ યોજનાના સેંકડો પરિવારો આજે ‘ગિરિરાજ કોન્ક્રીટ પ્લાન્ટ’ના પ્રદૂષણના કારણે નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

રાજકોટ શહેરના મોટામવા વિસ્તારમાં રહેણાંક ઝોન વચ્ચે ચાલી રહેલા ગિરિરાજ સિમેન્ટ મિક્સિંગ કોન્ક્રીટ પ્લાંટ સામે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોથી પ્લાંટ દ્વારા ભારે ધૂળ અને ઝેરી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.જેના કારણે આસપાસના રહીશોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે.

મળતી માહિતી મુજબ સેકન્ડ રિંગ રોડ નજીક અર્જુન પાર્ટી પ્લોટ પાછળ આવેલ આવાસ યોજના પાસે ગિરિરાજ કોન્ક્રીટ પ્લાંટ લાંબા સમયથી કાર્યરત છે. સ્થાનિક રહીશો દ્વારા વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં અસંતોષ ફેલાયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા સ્થળ તપાસ બાદ પ્લાંટ સંચાલકોને લગભગ એક મહિના પહેલા ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી.અધિકારીઓના જણાવ્યા મુજબ પ્લાંટ પાસે જરૂરી એનઓસી નહોતી.બીજી તરફ પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા પણ પ્લાંટનું વીજ કનેક્શન રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે વીજ કનેક્શન કપાઈ ગયા બાદ પણ પ્લાંટ બંધ થવાને બદલે છેલ્લા દોઢ મહિનાથી જનરેટર ઉપર ચલાવવામાં આવી રહ્યો હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળી રહ્યું છે. લોકોનો આક્ષેપ છે કે, સરકારી કાર્યવાહી છતાં સંચાલકો ખુલ્લેઆમ નિયમોની અવગણના કરી રહ્યા છે.

સ્થાનિક રહીશો હવે પ્લાંટને તાત્કાલિક સીલ મારવાની, સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની તેમજ રહેણાંક જમીન ભાડે આપનાર જમીન માલિકો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. કેટલાક રહીશો દ્વારા જમીન ટાંચમાં લેવાની પણ માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ સમગ્ર મામલે લોકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે GPCB દ્વારા કાર્યવાહી શરૂ થયા છતાં મામલતદાર કે કલેક્ટર કચેરી દ્વારા હજુ સુધી કડક પગલાં કેમ લેવામાં આવ્યા નથી? શહેરની આસપાસ અનેક પ્રદૂષણ ફેલાવતા મિક્સિંગ પ્લાંટો મંજૂરી વગર ચાલતા હોવાના આક્ષેપો વચ્ચે હવે વ્યાપક સર્વે અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE