કૈલાશ માનસરોવર યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ચાલશે.આ યાત્રા માટે બે માર્ગોનો ઉપયોગ કરી શકાશે. પ્રથમ માર્ગ ઉત્તરાખંડમાં ‘લિપુલેખ પાસ‘ (Lipulekh Pass) અને બીજો માર્ગ સિક્કિમમાં ‘નાથુ લા‘ (Nathu La) દ્વારા કૈલાશ માનસરોવર સુધી જશે.આ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે. આ સિવાય યાત્રા સંબંધિત તમામ માહિતી વેબસાઈટ પર મળી રહેશે. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ, કૈલાશ માનસરોવર યાત્રા માટે 19 મે સુધી અરજી કરી શકાશે.
બે રસ્તાઓ પરથી જશે 1000 યાત્રિકો
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિદેશ મંત્રાલય દ્વારા ચીન સરકારના સમન્વય સાથે આયોજિત કૈલાશ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજાશે.” નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે, “આ વર્ષે, 50 મુસાફરોની 10 ટુકડીઓ (જથ્થા) ઉત્તરાખંડ થઈને લિપુલેખ પાસ પસાર કરશે અને 50 મુસાફરોની અન્ય 10 ટુકડીઓ સિક્કિમ થઈને નાથુ લા પાસ પસાર કરશે. નોંધણી (રજીસ્ટ્રેશન) માટેની છેલ્લી તારીખ 19 મે 2026 છે.”
વેબસાઈટ દ્વારા કરી શકાય છે અરજી
કૈલાશ માનસરોવર યાત્રા પર જવા અંગે વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, “kmy.gov.in વેબસાઈટ પર અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે. મુસાફરોની પસંદગી નિષ્પક્ષ, કોમ્પ્યુટર-જનરેટેડ, રેન્ડમ અને જેન્ડર-બેલેન્સ્ડ (લિંગ-સંતુલિત) પસંદગી પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. ઈચ્છુક અરજદારો વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરીને લોગઈન કરી શકે છે અને પોતાની અરજી ઓનલાઈન સબમિટ કરી શકે છે. અરજદારોએ માહિતી મેળવવા માટે પત્ર કે ફેક્સ મોકલવાની જરૂર નથી. વેબસાઈટ પર આપવામાં આવેલા ફીડબેક વિકલ્પોનો ઉપયોગ માહિતી મેળવવા, અવલોકન નોંધવા અથવા યાત્રામાં સુધારા માટે સૂચનો આપવા માટે કરી શકાય છે.”
કૈલાશ માનસરોવર યાત્રાનું મહત્વ
અત્રે ઉલ્લેખનીય છે કે, ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં સ્થિત કૈલાશ પર્વત અને માનસરોવર તળાવની તીર્થયાત્રા હિંદુઓની સાથે જૈન અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પણ અત્યંત ધાર્મિક મહત્વ ધરાવે છે.ભારત અને ચીન વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 5 વર્ષ બાદ ગયા વર્ષે આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી..કોવિડ મહામારીને કારણે આ યાત્રાને પહેલા 2020 માં સ્થગિત કરવામાં આવી હતી અને બાદમાં પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર બંને પક્ષો વચ્ચેના લશ્કરી ગતિરોધને કારણે તેને ફરીથી સ્થગિત કરવામાં આવી હતી.
Post Views: 44











