જમ્મુ તાવીથી શ્રીનગર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લીલી ઝંડી આપી ટ્રેન રવાના કરી

રાજ્યની કનેક્ટિવિટી અને પ્રવાસન ક્ષેત્રે આજે એક નવો સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે..રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે જમ્મુ તાવી રેલવે સ્ટેશનથી લંબાવવામાં આવેલી જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું..અગાઉ આ ટ્રેન માત્ર શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને શ્રીનગર વચ્ચે જ ચાલતી હતી.જેને હવે મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને જમ્મુ તવી સ્ટેશન સુધી લંબાવવામાં આવી છે.

વિકાસની નવી રફ્તાર

ઉદઘાટન સમારોહ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની સાથે પીએમઓ (PMO) રાજ્ય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહ અને જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા પણ હાજર રહ્યા હતા. ટ્રેનને રવાના કરતા રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, “આ માત્ર એક ટ્રેન નથી.પરંતુ કાશ્મીરને દેશના બાકીના ભાગો સાથે જોડતો એક મજબૂત સેતુ છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ભારતીય રેલવે દુર્ગમ પહાડોને ચીરીને કાશ્મીરની ખીણો સુધી આધુનિક રેલ સુવિધા પહોંચાડવામાં સફળ રહી છે.

માત્ર 5 કલાકમાં મુસાફરી પૂર્ણ થશે

આ વિસ્તાર બાદ હવે જમ્મુથી શ્રીનગર વચ્ચેની મુસાફરી અત્યંત સરળ અને ઝડપી બની ગઈ છે.

  • સમયની બચત: રોડ માર્ગે જમ્મુથી શ્રીનગર પહોંચતા સામાન્ય રીતે 10 થી 12 કલાકનો સમય લાગે છે.જ્યારે વંદે ભારત એક્સપ્રેસ આ અંતર માત્ર 5 કલાકમાં કાપશે.

  • અંતર: આ ટ્રેન અંદાજે 267 કિલોમીટરની મુસાફરી ખેડશે, જેનાથી સમયની બચતની સાથે મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ પણ મળશે.

ટ્રેનની વિશેષતાઓ

આ રૂટ પર ચાલતી વંદે ભારત એક્સપ્રેસને જમ્મુ-કાશ્મીરના ઠંડા હવામાન અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવી છે.

  • વધુ કોચ: અગાઉ આ રૂટ પર 8 કોચની ટ્રેન ચાલતી હતી.પરંતુ હવે તેને વધારીને 20 કોચની કરવામાં આવી છે.

  • આધુનિક ટેકનોલોજી: ટ્રેનમાં ‘કવચ’ એન્ટી-કોલિઝન સિસ્ટમ, જીપીએસ આધારિત માહિતી પ્રણાલી અને 180 ડિગ્રી ફરી શકે તેવી ખુરશીઓ લગાવવામાં આવી છે.

પ્રવાસન અને અર્થતંત્રને મળશે વેગ

આ ટ્રેન શરૂ થવાથી જમ્મુ-કાશ્મીરના પ્રવાસનને જબરદસ્ત વેગ મળવાની અપેક્ષા છે. હવે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ સીધા જમ્મુ રેલવે સ્ટેશન પર ઉતરીને વંદે ભારત દ્વારા શ્રીનગર પહોંચી શકશે.

નોંધ: સામાન્ય મુસાફરો માટે આ ટ્રેનની સેવાઓ 2 મે થી શરૂ થશે અને તે અઠવાડિયામાં 6 દિવસ ((મંગળવાર સિવાય) ચલાવવામાં આવશે.

Leave a Comment

READ MORE

READ MORE