રુંવાડા ઉભા કરી દેતી ક્રૂરતા: નસવાડીમાં ચાંદીના કડલા માટે વૃદ્ધાના બંને પગ કાપી નાખી નિર્મમ હત્યા!

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામેથી માનવતાને શરમાવે તેવી અને કાળજું કંપી ઉઠે તેવી ઘટના સામે આવી છે. માત્ર પગમાં પહેરેલા ચાંદીના કડલા લૂંટવા માટે તસ્કરોએ એક 65 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી. તેમના બંને પગ કાપી નાખ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

શું છે સમગ્ર ઘટના?

નસવાડી તાલુકાના ગઢબોરીયાદ ગામે મુખ્ય રોડ પર આવેલા કાચા ઝૂંપડામાં 65 વર્ષીય દત્રીબેન ભીમાભાઇ ભીલ એકલા રહેતા હતા. આદિવાસી સંસ્કૃતિની પરંપરા મુજબ તેઓ પગમાં ચાંદીના વજનદાર કડલા પહેરતા હતા. ગત રાત્રિએ જ્યારે દત્રીબેન ઘરમાં એકલા હતા.. ત્યારે લૂંટના ઈરાદે આવેલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો.

ક્રૂરતાની પરાકાષ્ઠા: લૂંટારુઓ એટલી હદે હેવાન બન્યા હતા કે, દત્રીબેનના પગમાંથી ચાંદીના કડલા સહેલાઈથી ન નીકળતા, તેઓએ તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધાના બંને પગ કાપી નાખ્યા હતા અને કડલા લૂંટીને ફરાર થઈ ગયા હતા. વધુ પડતા રુધિરસ્ત્રાવને કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પોલીસ તપાસનો ધમધમાટ

ઘટનાની જાણ થતા જ નસવાડી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ધોળા દિવસે અથવા રાત્રિના સમયે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે.

  • ગુનો: નસવાડી પોલીસે અજાણ્યા શખ્સો સામે લૂંટ વિથ મર્ડર (હત્યા અને લૂંટ)નો ગુનો નોંધ્યો છે.

  • તપાસ: આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મુખ્ય માર્ગ પર જ આવેલા ઝૂંપડામાં રહેતી મહિલાની આ પ્રકારે કરપીણ હત્યા થતા સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ અને શોકની લાગણી જોવા મળી રહી છે.

રિપોર્ટર: અંજુમ ખત્રી, છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE