જયપુર: રાજસ્થાનના દૌસા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હરિદ્વારથી ઇન્દોર જઈ રહેલી યાત્રાળુઓથી ભરેલી સ્લીપર બસ ટ્રક સાથે અથડાતા બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે, જ્યારે 21 મુસાફરો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત રાત્રે આશરે 2:30 વાગ્યે કોલવા પોલીસ સ્ટેશન વિસ્તારના તનવાડ ઝીરો પોઈન્ટ નજીક થયો હતો. બસમાં કુલ 37 મુસાફરો સવાર હતા. ટક્કર બાદ આગ એટલી ઝડપથી ફેલાઈ કે ઘણા મુસાફરો બસમાં જ ફસાઈ ગયા. આગમાં દાઝી જવાથી 6 લોકોના મોત થયા હતા, જ્યારે 2 લોકોના ગંભીર માથાના ઈજાના કારણે મૃત્યુ થયા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી દૌસા જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાથી તેમને ઉચ્ચ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બસ લગભગ એક કલાક સુધી સળગતી રહી હતી. સ્થાનિક લોકોએ આગ વચ્ચે પણ મુસાફરોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. અકસ્માતમાં કેટલાક બાળકો પણ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે બસના સ્ટોરેજ બોક્સમાં સિગારેટના પેકેટો ભરેલા હતા, જેના કારણે આગ વધુ ઝડપથી ફેલાઈ હોઈ શકે છે. જોકે, પોલીસે આ દાવાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં ટ્રક સાથેની જોરદાર ટક્કર બાદ બસમાં આગ ફાટી નીકળ્યાનું સામે આવ્યું છે.










